ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં મધ્યરાત્રીએ એક કાર અને બાઇક ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો

ડોન ચોક વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પર મહિલા કોલેજ તરફ થી આવતી કાર અને ગીતાચોક તરફથી આવતા ડબલ સવારી બાઇક વચ્ચે ચોકમાં ક્રોસ થતા સમયે ભયંકર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર રોડ પર બાઇક સાથે અથડાઈ ને ચાર રસ્તા પર રહેલી એક દુકાન ના લોખંડના પગથિયાં સાથે ધડાકાભેર અથડાઈ હતી જ્યારે બાઇક કાર સાથે અથડાઈ ને 20 મીટર દૂર ફંગોળાઈ ગયું હતું.જ્યારે બાઇક પર સવાર બંને લોકોને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા થઇ હતી.આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા તેમજ બે 108 એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે પહોંચી બંને ને તાકીદે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે કાર આટલી ધડાકાભેર અથડાઈ ને એક પોલ તોડી દુકાનના લોખંડના પગથિયાં સાથે અથડાતા કારના આગળથી સાવ ફુરચા ઉડી ગયા હતા.જો કે કારમાં એરબેગ ખુલી જતા કારમાં સવાર પરિવાર બચી ગયો હતો અને કાર ચાલકને માથાના ભાગે સામાન્ય ઇજા થવા પામી હતી.આ બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ અકસ્માત અંગે વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.