ભુજ RTO વિવાદ : PUC એસોસિયેશન પ્રમુખનો નિવેદન કલાકોમાં જ બદલ્યો; યોગ્ય તપાસ જરૂરી
ભુજ RTO વિવાદ : PUC એસોસિયેશન પ્રમુખનો નિવેદન કલાકોમાં જ બદલ્યો; યોગ્ય તપાસ જરૂરી
થોડા દિવસો અગાઉ રીક્ષા ચાલકે ભુજ RTOના 2 ઇન્સ્પેકટર વિરુદ્ધ એસપીને કરેલી અરજી મુદ્દે નિવેદન આપ્યા બાદ PUC એસોસિયેશન પ્રમુખનો યુ-ટર્ન
ગત અઠવાડિયે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને સંબોધીને લખાયેલી એક અરજીમાં છકડાચાલકે ભુજ RTOના 2 ઇન્સ્પેક્ટરો પર આક્ષેપ કર્યો હતો કે ૦૬-૦૩-૨૦૨૩ની સવારના ભાગે શેખપીર ચોકડીથી 2 આરટીઓ ઈન્સ્પેક્ટર તેના છકડામાં બેસીને ભુજ આરટીઓ કચેરી આવ્યા હતા અને તેમણે ભાડું આપ્યું નહોતું અને ભાડું માગતાં તેમણે પોતાની ઓળખાણ આપી ધાક-ધમકી કરી હતી.
આ બનાવની અરજી સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ જે વ્યક્તિ આ બનાવ મુદ્દે ટિપ્પણી કરવા યોગ્ય જ નથી તેના નામે નિવેદન લઈ એક વેબ પોર્ટલ દ્વારા પર્દાફાશ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. RTOને બદનામ કરવામાં પ્રપંચનો પર્દાફાશ કરવાનું કહી વેબ પોર્ટલ દ્વારા જિલ્લા PUC એસોસિયેશનના પ્રમુખ ઉમર સમાના નામે નિવેદન પ્રકાશિત કરાયો હતો. જે મુજબ, ઉમર સમાએ કહ્યું હતું કે રિક્ષામાં આવનાર RTO ઇન્સ્પેક્ટર નહીં પરંતુ ખાનગી સિક્યોરિટી એજન્સીના કોન્ટ્રાક્ટ બેઝડ સિક્યોરિટી ગાર્ડ હતા. જ્યારે કચ્છ કેરની ટીમે આ મુદ્દે ઉમર સમાની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું જ નથી. તો સાથે જ ઉમર સમાએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના તપાસનો વિષય છે અને અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે રિક્ષા ચાલક દ્વારા કરાયેલા આક્ષેપ લેખિત અરજીમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આપવામાં આવ્યા છે. પોલીસ વિભાગ આ મુદ્દે કોઈ તપાસ હાથ ધરે તે પહેલા જ તપાસનીશ અધિકારીની જેમ નિવેદન આપી આ વિવાદને વધુ ગૂંચવણમાં નાખવામાં આવી રહ્યો છે.