ભુજમાં દવા લેવા આવેલી કુકમાની મહિલાના ચાંદીના કડલા તથા રોકડની લૂંટ…

ભુજમાં દવા લેવા આવેલ પ્રોઢના દાગીના તથા રોકડ ધુતવી લેવાયાની ફરિયાદ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે કાર્ગોવાળીની બાજુમાં ટ્રાન્સપોર્ટનગર કુકમામાં રહેતા લાલબાઈ જુસબભાઈ સમાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા. 10-3ના જી.કે જનરલ હોસ્પિટલ દવા લેવા માટે આવેલ હતા. દવા લઈ તેઓ હોસ્પિટલના પ્રથમ ગેટ પાસે આવ્યા તે દરમિયાન આશરે 50-55 વર્ષની લાલ કલરની સાડી પહેરેલ મહિલાએ ફરિયાદીને પૂછેલ કે શું લેવા આવ્યા છો, ત્યારે ફરિયાદીએ દવા લેવા આવ્યા હોવાનું જણાવતા ઉપરોક્ત અજાણી મહિલાએ ફરિયાદી લાલબાઈને કહેલ કે, જી.કે.ની દવા સારી નથી આવતી ફેકી દો હું તમને બીજી દવા લઈ આપું છુ. તેમ કહી તે મહિલા ફરિયાદીને હોસ્પિટલના ગેટની બહાર બાજુમાં આવેલ ગલીમાં લઈ ગયેલ અને તેની પાસે કોઈ પ્રવાહી પીવડાવી નાસ્તો કરાવી ભાન ભુલાવી દીધું હતું. આ બાદ આ અજાણી મહિલા પાછળ-પાછળ લાલબાઈ પગપાળા ચાલીને સોની બજાર ગયા હતા. આરોપી અજાણી મહિલાએ ફરિયાદીના પગમાં પહેરેલા એક કિલો ચાંદીના કડલા કિં. રૂા. પ0,000 અને રોકડા રૂા. પ00 એક થેલીમાં નખાવી બજારમાં એક જગ્યાએ બેઠા હતા. તે દરમિયાન આરોપીએ ફરિયાદીની નજર ચૂકવી થેલીમાંથી કડલા તથા રોકડા રૂપિયા સેરવી પોતાની કોથળીમાં રાખી રિક્ષામાં બેસીને ચાલી ગઈ હતી. આમ અજાણી મહિલાએ ફરિયાદીને વશમાં કરી વિશ્વાસઘાત આચરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.