ભુજમાં રહેણાંક મકાનમાથી કિ.રૂ.23,600ની સાડીઓની તસ્કરી
ભુજમાં રહેણાંક મકાનના ઉપરના ભાગે સાડીને કલર કામ કરવા માટે બનાવેલ રૂમમાં ચોરે કોઈ પણ રીતે ચડી રૂમની સ્ટોપર ખોલી રૂમમાં પ્રવેશ કરી 118 નંગ સાડીની ચોરી કરી હોવાની ફરિયાદ ભુજ એ-ડિવિઝન પોલીસ ચોપડે નોંધાવાઈ છે.
આ અંગે ભુજ ખત્રી ચોક સરાયાવાળા માતમ પાસે ભુજમાં રહેતા અબ્દુલગફાર અલીમામદ ખત્રીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ મકાનની ઉપરના ભાગે રૂમ બનાવી સાડીને કલર કરવાનું કામ કરે છે. અને તેમની પાસે તે કામ માટે 7 મજૂર કામ કરે છે.
તા.10-3ના સાંજના 6 વાગ્યાના અરસામાં સાડીઓનું કલરકામ બંધ કરી રૂમને બહારથી સ્ટોપર મારી તેઓ નીચે મકાનમાં આવી ગયા હતા અને મજૂરો પણ તેમના ઘરે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ફરિયાદી નવ વાગ્યાના અરસામાં ક્રિકેટ મેચ જોવા ગયેલ ગયેલ હતા જ્યારે તેમનો પરિવાર નીચે સૂઈ ગયેલ હતો. ત્યારબાદ તા.11-3ના સવારના નવ વાગ્યાના અરસામાં સાડીઓને કલર કરવા માટે રૂમ ખોલતા સાડીઓ વેર વિખેર હાલતમાં જોવા મળી હતી. જેથી સાડીઓની ગણતરી કરતાં 118 નંગ સાડીઓ ઓછી જણાઈ આવતા 23,600ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઘટના તા.10-3ના રાત્રિના બાર વાગ્યાથી તા.11-3ના સવારના નવ વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.