મુન્દ્રા મધ્યેથી શિવડી-સીનર મોકલવામાં આવેલ 30.34 લાખનું ઓઈલ સગેવગે થતાં ફરિયાદ

આ અંગે સાનવી ઇમ્પે ઇન્ડસ્ટ્રીયલ ઓઈલ કંપનીમાં પ્રોપરાઇટર મનીષ નરેશકુમાર અગ્રવાલ મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.26-2ના પાર્થ ઈન્ફ્રાટેક કંપનીના પ્રોપરાઈટર નીરજ શુકલાએ ફોન દ્વારા જણાવ્યુ હતું કે, તેઓને ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો માલ સીનર જી.નાસિક માટે જોઇયે છે. જેથી ફરિયાદીએ મુન્દ્રા ખાતે વેચાણ અર્થે સ્ટોર કરવામાં આવેલ ઓઇલના જથ્થાના પરિવહન માટે સાલાસર રોડવેઝ ટ્રાન્સપોર્ટના માલિક જગદીશભાઇ ભાખરારામ બિશ્નોઈનો સંપર્ક કરેલ હતો અને પરિવહન માટે રૂ.40000 એડવાન્સમાં મોકલી આપ્યા હતા. તા.1-3ના સવારના દશેક વાગ્યાના અરસામાં 31110 કિલો ઓઈલ GJ-14-GL-5329 ટેન્કરમાં ભરી સીનર-નાસીક ખાતે પહોચાડવા માટે રવાના થયેલ હતો. ત્યારબાદ તા.3-3ના પાર્થ ઈન્ફ્રાટેક કંપનીના પ્રોપરાઈટર નીરજ શુકલાએ આ ટેન્કર ડ્રાઈવરસંદીપ હરિલાલ યાદવને ફોન કરતાં ટેન્કર અંકલેશ્વર ખાતે બગડેલું હોઈ ટાટા કંપનીના માણસને રીપેરીંગ માટે બોલાવેલ હોવાનું જણાવ્યુ હતું. આ ટેન્કર સીનર-નાસીક સમયસર ન પહોચતા ફરિયાદીએ ડ્રાઇવરને ફોન કરતાં ફોન બંધ આવતા આ અંગે તેઓએ ટ્રાન્સપોર્ટર જગદીશભાઈને જાણ કરેલ હતી. તા.,4-3ના સાંજના ફરી ટેન્કર ડ્રાઈવર સંદીપનો સંપર્ક સાધતાં તેણે નવાગામ મહારાષ્ટ્ર બોર્ડર પાસે હોવાનું જણાવી આવતીકાલ સવારના નાસીક પહોચી જવાનું જણાયું હતું. ત્યારબાદ ફરિયાદીએ ફરી 5-3ના સવારના આઠેક વાગ્યે ડ્રાઇવરને ફોન કરતાં તેનો ફોન બંધ આવતા ટ્રાન્સપોર્ટર જગદીશભાઈને જાણ કરેલ હતી જેથી તેઓએ ફેક્ટરીમાં જાણ કરવાનું કહેતા ફરિયાદીએ ફેક્ટરીમાં તપાસ કરતાં ગાડી પહોચી ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ફરિયાદિનો આજ-દિન સુધી ડ્રાઈવરનો કોઈ કોન્ટેક થયો ન હતો અને ટ્રાન્સપોર્ટર જગદીશભાઈને આ ગાડી તથા માલ અંગે પૂછતા તેઓ ડ્રાઇવરને શોધું છુ કહી આજ દિન સુધી કોઈ જાણ કરેલ નથી કે માલ પહોચાડેલ નથી. ત્યારબાદ ફરિયાદીએ નાસીક જઈ ટોલટેક્સના સીસીટીવી ચેક કરાવતા બંસવત પ્લાઝા- મહારાષ્ટ્ર ટોલટેક્સબાદ ક્યાય પણ ટેન્કર પસાર થયું ન હતું. તેમજ ટ્રકનું જી.પી.એસ. લોકેશન ચેક કરતાં અંકલેશ્વર સુરત ખાતેથી કટ થયું હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ટ્રાન્સપોર્ટર જગદીશભાઈ તથા ડ્રાઈવર સંદીપે સાથે મળી કી.રૂ.30,34,065 નું ઓઈલ સગેવગે કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.