`છાત્રો કી ગૂંજ’ને મંજૂરી ન મળતાં હોબાળો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના `છાત્રો કી ગૂંજ’ માટે પ્રયાગરાજમાં પ્રશાસને મંજૂરી નહીં આપતાં કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.માહિતી મુજબ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કાર્યક્રમ માટે સ્થળની અનુમતી નહીં આપવાના નિર્ણયની ટીકા કરતાં સવાલ ઊઠાવ્યો હતો કે, પ્રશાસનને શેનો ડર છે ? એ જ રીતે કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, એ લોકો સંસદની અંદર પણ અને બહાર પણ રાહુલ ગાંધીથી ડરે છે તેમને ડરવા દો. અમે તેમને ડરાવતા રહીશું. એ લોકો સંસદમાં રાહુલનો સામનો કરી શકતા નથી, તેવા પ્રહારો ખેડાએ સત્તારૂઢ જોડાણ પર કર્યા હતા. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, રાહુલ જ્યારે પણ છાત્રોનો અવાજ બૂલંદ કરવા આગળ વધે છે, ત્યારે દર વખતે વિઘ્ન સર્જવાની કોશિશ કરાય છે. તેમને આવું કરવા દો. આ જ છાત્રોની તાકાત છે… આ જ રાહુલ ગાંધીની તાકાત છે… આ જ વિપક્ષની તાકાત છે, તેવા પ્રહારો તેમણે કર્યા હતા. ખેડાએ જણાવ્યું હતું કે, `છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ જરૂર થશે. અમે અમારું કામ જારી રાખીશું. અમે પ્રયાગરાજ જશું.