પીપરીની વાડીમાં જુગારના અડ્ડા પર એલસીબીના દરોડા: 8 ખેલી ઝડપાયા
માંડવી તાલુકાના પીપરીની વાડી ઉપર વ્યવસ્થિત ઢબે ચાલી રહેલા જુગારના અડ્ડા પર ગઈકાલે રાત્રે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પીપરીના સરપંચ અને ભુજના પૂર્વ નગરસેવક તથા એક મહિલા સહિત આઠ ખેલીને રોકડા રૂા. 1,19,600 સહિત કુલ્લે રૂા. 14,19,600 મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.
એલસીબીની ટીમ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, તલવાણાથી પીપરી જતા માર્ગ પર આવેલી વાડીએ સામજી રામજી સંઘાર (રહે. પીપરી) બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડે છે. આ બાતમીના આધારે એલસીબીએ રેડ પાડી ગંજીપાના વડે જુગાર રમતા સામજી રામજી સંઘાર તેમજ પીપરીના સરપંચ વાલજી ભવાનજી સંઘાર (પીપરી) અને ભુજના પૂર્વ નગરસેવક ઈબ્રાહીમ (અધાભા) ઓસમાણ પઠાણ તેમજ અશોક રામજી સોની, અનિલ દયાલાલ ઠક્કર, રક્ષાબેન અવનીશ ઠાકોર (રહે. ચારે ભુજ) તથા બળવંતસિંહ શિવુભા જાડેજા (રહે. અંજાર) અને કરશન ખીમજી સંઘાર (રહે. પીપરી)ને પકડી પાડ્યા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂા. 1,19,600 તેમજ બે કાર કિ. રૂા. 13,00,000 અને સાત મોબાઈલ કિ. રૂા. 35000 એમ કુલ્લે રૂા. 14,54,600ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવા કોડાય પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.