લાકડિયા પાસે બિલની ઉઘરાણી કરવા ગયેલા વીજ કર્મચારીને માર મારતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ…

આ અંગે પીજીવીસીએલમાં ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને સામખિયાળી રહેતા રાજદીપસિંહ જિતેન્દ્રસિંહ જાડેજાએ લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તથા અંકિતકુમાર નાથાભાઈ પંડવાળા ફરજમાં હતા તે દરમિયાન  રાધનપુર-સામખિયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સરહદ ડેરી નજીક લાઈન ફોલ્ટ થતાં ત્યાં ગયા હતા. તે દરમિયાન હરેશભાઈ નિનામાએ તેમને જણાવ્યુ હતું કે, સામાખીયારી-રાધનપુર નેશનલ હાઇવે પર સંધુ ઢાબા હોટલવાળાનું જુનું બીલની બાકીની રકમ 7719ની વસૂલાત કરી લેવા જણાવ્યું હતું. જેથી તેઓ અંકિતકુમાર સાથે બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હોટલ પર ઉઘરાણી કરવા પહોચ્યા હતા. તે દરમિયાન ભરપાઈ કરવાનું જણાવતાં સંચાલક સત્તરસિંગ સરદારે બિલ ભરી દીધેલું છે હવે સેની ઉઘરાણી કરવા આવો છો તેમ કહી ગાળો આપી હતી. જેથી ફરિયાદીએ હોટેલના માલિક મયૂરસિંહ ઝાલા સાથે ફોન પર આ અંગે વાત કરી હતી, પરંતુ સંચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને લાફો મારી દીધો હતો. ઉપરાંત પાછા જીવતા નહીં જાઓ તેમ કહી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. લાકડિયા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.