કંડલામાં એક દિવસ પૂર્વે કામે લાગેલો ચાલક 10 લાખનું વાહન લઇ છૂમંતર….
ગાંધીધામ કંડલા મધ્યે આઇ.ઓ.સી.એલ.માં ઠેકા ઉપર ડ્રાઇવર તરીકે કામે લાગનાર શખ્સરૂા. 10 લાખની બોલેરો લઇને નાસી ગયો હતો. મુંદરાના ઝરપરામાં રહેતા નારાણ રામ ગઢવીએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદીની શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રાવેલ પેઢીની બોલેરો ગાડી નંબર જી.જે. 12 ડી.એસ. 8557વાળી કંડલા મધ્યે આઇ.ઓ.સી.એલ. (એલ.પી.જી.) કંપનીમાં ચાલતી હતી જેમાં ડ્રાઇવર તરીકે અગાઉ રમેશભાઇ મહેશ્વરી હતા તેમણે નોકરી મૂકી દેતાં ફરિયાદીએ આદિપુરના પ્રદીપ ચંદુ મંગવાણીને ડ્રાઇવર તરીકે તા. 23/3ના રાખ્યો હતો. તા. 24/3ના આઇ.ઓ.સી.એલ.ના પ્રોજેક્ટ મેનેજર રઘુથામનને ગાંધીધામથી કંડલા ખાતે લઇ ગયા બાદ આરોપી પ્રદીપ મંગવાણીએ બપોરે હું જમવા જાઉં છું તેમ કહી બોલેરો ગાડી લઇને નીકળી ગયો હતો. બાદમાં મેનેજરે તેને ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. જે અંગે ફરિયાદીને જાણ થતાં તેમણે જી.પી.એસ. તપાસ્યું હતું જેમાં વાહનનું લોકેશન અંતે ગાંધીધામ નૂરી મસ્જિદ નજીક સુધીનું બતાવતું હતું. બાદમાં જી.પી.એસ. લોકેશન બંધ થઇ ગયું હતું તેમજ આરોપીને ફોન કરાતાં તેનો ફોન પણ બંધ આવતો હતો. રૂા. 10 લાખની ગાડી લઇ નાસી જનાર આ શખ્સ સામે કંડલા મરીન પોલીસે વિશ્વાસઘાતની કલમ તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.