ભુજના યુવકે કારના ડાઉનપેમેન્ટ તથા બેન્ક લોનના નામે 7,30,000 કર્યા હજમ…
ગાંધીધામમાં રહેતી યુવતીએ ભુજના ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધાવી છે.
ગીતાબેન ભોમસિંઘ ઘોઘલીયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમને મહિન્દ્રા કંપનીની નવી ફોરવ્હીલ સ્કોરપીઓ ગાડી લેવા માટેની લોન માટે ગાંધીધામ પંજાબ નેશનલ બેંકમાં એપ્લાય કરેલ હતું. ત્યારે ફરિયાદીના નાના બહેન યોગીતાના જુનિયર એંજિનિયરે ભુષણભાઈએ ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ગાડીની વ્યવસ્થા માટે સંપર્ક કરવા માટે જણાવ્યુ હતું. જેથી ફરિયાદીએ ધર્મેન્દ્રસિંહને ગાડી તથા લોન માટે વાત કરતાં ધર્મેન્દ્રસિંહે ગાડીની વ્યવસ્થા થઈ જાસે તેવો ભરોસો આપેલ હતો અને ફરિયાદી પાસે ડૉક્યુમેન્ટની માંગણી કરતાં ફરિયાદીએ બધા ડૉક્યુમેન્ટ વોટસએપ પર મોકલાવેલ હતા. થોડા સમય બાદ ધર્મેંદ્ર્સિંહે નાનાવટી શો રૂમ સુરતનું સ્કોરપીઓ ગાડીનું 14,72,199 રૂ. કોટેશન મોકલાવેલ હતું. ત્યારબાદ આરોપી ધર્મેન્દ્રસિંહે સૌપ્રથમ ડાઉનપેમેન્ટ માટે 50,000ની માંગણી કરતાં ફરિયાદીએ 50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરેલ હતા. ત્યારબાદ ડાઉન પેમેન્ટ માટે વધુ પૈસાની માંગણી કરતાં ફરિયાદીએ 80,000 મોકલેલ હતા. ત્યારબાદ ફરિયાદીએ 2 લાખ આરોપીના ખાતામાં આર.ટી.જી.એસ કર્યા હતા. ત્યારબાદ આરોપીએ ડાઉન પેમેન્ટ ઓછું પાડવાના બહાના આપી ટુકડે ટુકડે ફરિયાદી પાસેથી 7,30,000 ઓળવી ગયો હતો. અને ગાડી માટે ખોટા વાયદાઓ કરતો હતો પરંતુ ગાડી કે લોન કરાવી આપતો ન હતો. જેથી ફરિયાદીએ આરોપી પાસેથી પોતાની રકમ પરત માંગતા તેણે એક ચેક આપેલ હતો પરંતુ ચેક બેંકમાં નાખતા તે પરત થયો હતો. ત્યારબાદ ફરિયાદીએ આરોપી ધર્મેન્દ્રસિંહને ફોન કરતાં તેઓ ફોન ઉપાડતાં ન હતા. ત્યારબાદ તેનો ફોન બંધ આવવા લાગ્યો હતો.
જેથી ફરિયાદીએ આરોપી ધર્મેન્દ્રસિંહ વિરુદ્ધ ગાડીના ડાઉનપેમેન્ટના નામે તથા બેંકમાથી લોન કરી આપવાના બહાને અલગ અલગ સમયે કુલ રૂ. 7,30,000 લઈ ગાડી કે લોન ન અપાવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.