ઝીરો પોઈન્ટ મધ્યે આવેલ કાપડની દુકાનમાથી 23 હજારના માલસામાનની તસ્કરી

ઝીરો પોઈન્ટ મધ્યે આવેલ દુકાનમાં ચોરે પાછળની દીવાલ પરથી ચડી દુકાન પર રહેલ સિમેંટના પતરાના નટબોલ ખોલી પતરાં હટાવી દુકાનમાં રહેલ સરસામાનની તસ્કરી કરી હોવાનું ફરિયાદ મુંદ્રા પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે મોટા કાંડગરામાં રહેતા ઈમરાન અલીમામદ ચાકીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ઝીરો પોઈન્ટ મધ્યે આવેલ એપ્પલ મેન્સવેર દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ તા. 7-4ના રાત્રિના આશરે પોણા નવ વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે ફરિયાદી ઘરે હાજર હતા તે દરમિયાન તેમની દુકાનમાં કામ કરતાં અલ્તાફ તુર્કે ફરિયાદીને ફોન દ્વારા જણાવેલ કે, દુકાનમાં સામાન વેરવિખેર પડેલ છે. જેથી ફરિયાદીએ દુકાનમાં આવી તપાસતા માલસામાનના બોક્ષ વિરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા. જેથી ફરિયાદીએ દુકાનમાં સામાન ચેક કરતાં ટોપી, બુંટ, હેન્ડ ગ્રીપ, માસ્ક, ટી-શર્ટ, મોજા, ચશ્મા, બેલ્ટ મળી કિ.રૂ.23,660ના સામાનની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.

ચોરીની આ ઘટના તા.7-4ના રાત્રિના પોણા નવ વાગ્યાથી તા.8-4ના સવારે 9 વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.