વીરા ગામે વીજ ચેકિંગમાં ગયેલા વીજ કર્મચારીઓની 2 ટીમ પર કરાયો હુમલો: 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ
અંજાર તાલુકાના વીરા ગામે સવારે વીજ ચેકિંગમાં ગયેલી બે ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ કંડલા મરીન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે પોલીસ ચોપડે ત્રણ શખ્સો વિરુદ્ધ બે જુદી-જુદી ફરિયાદ દર્જ કરાવાઈ હતી.
વીરા ગામમાં ચેકિંગ ડ્રાઇવ હોઈ જુદા-જુદા કર્મચારીઓ ગામમાં બે વાહન લઇને ચેકિંગમાં ગયા હતા. રામબાગ વીજ કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા હિરેન રમેશ ઠક્કર તથા ઇલેકટ્રીક આસિસ્ટન્ટ પ્રવીણ આલારામ સીજુ ગામમાં આવેલી જીલાની પ્રોવિઝન સ્ટોરમાં વીજ ચેકિંગ માટે ગયા હતા. દુકાનમાં હાજર 25 વર્ષના શખ્સને આ કર્મીઓએ પોતાની ઓળખ આપી દુકાનનું વીજ મીટર ચેક કરવાનું કહેતાં આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને ફરિયાદીને ગાડો આપવા લાગ્યો હતો.
જેથી ફરિયાદી દુકાનમાંથી બહાર આવી ગયા હતા તે સમય દરમિયાન અન્ય એક શખ્સ 25 વર્ષીય શખ્સ હાથમાં કુહાડી લઈ ત્યાં દોડી આવ્યો હતો. તેણે ફરિયાદી ઉપર ઊંધી કુહાડી વડે હુમલો કર્યો હતો તો દુકાનમાં હાજર આરોપીએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ સાથી કર્મચારી પ્રવીણ સીજુને લાફા મારી તેને ભગાડી મુક્યો હતો અને ફરિયાદીને મારવાનું ચાલુ રાખતાં ફરિયાદી દોડીને દૂર ચાલ્યા ગયા હતા. બાદમાં ફરિયાદી ગામની બહાર પોતાના વાહનો પાસે ગયા હતા ત્યારે પણ આ બંને આરોપીઓ પથ્થર લઇને ત્યાં આવી પથ્થરો વડે હુમલો કરી વાહનના કાચ તોડી નાખ્યા હતા.
બીજી એક ટીમના કર્મચારી વિશાલ રમેશ ઠક્કર અને રાજકુમાર વાઢેર વીરા-વલાડિયા માર્ગ પર આવેલા એક મકાન પાસે પહોંચ્યા ત્યારે ગેરકાયદેસર વીજ જોડાણ મેળવાયેલાનું નજરે આવતા આ કર્મચારીઓ તે વિજજોડાણ હટાવી રહ્યા હતા. તે દરમિયાન એક શખ્સ ધારિયું લઇને ત્યાં ધસી આવ્યો હતો અને જોડાણ કાપવા આપ્યું નહોતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એક મહિલાએ આ શખ્સને અટકાવ્યો હતો. આ શખ્સનું નામ રમજુ મુસા મુંડાનો દીકરો હોવાનું પાછળથી ફરિયાદીને જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.