સસ્તા સોનાના નામે ભુજની ત્રિપુટીએ બીએસએફના જવાન પાસેથી 12.50 લાખ હડપ્યા
મૂળ ઉત્તરપ્રદેશ અને હાલમાં ભુજમાં રહેતા બીએસએફના જવાનને એક કિલો સસ્તું સોનું આપવાની લાલચ આપી રૂા. 12.50 લાખ હડપી લઈ સોનું ક રૂપિયા પરત ન આપી છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ભુજના સદામ સમા, રજાક સમા અને ઇશાક સમા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મૂળ ઉત્તરપ્રદેશ અને હાલે ભુજના 59 બીએસએફ કેમ્પસ આઇયાનગર મધ્યે રહેતા સીમાદળના જવાન સુશીલ સત્યનારાયણસિંગે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, અગિયાર માસ પહેલા તેમની આરોપી સદામ સમા સાથે મુલાકાત થતાં તેઓ અવાર-નવાર મળતા હતા. આ દરમિયાન આરોપીએ સસ્તું સોનું આપતા હોવાની વાત કરેલ હતી. અને ફરિયાદીને લેવું ન હોય તો પણ એક વાર જોઈ જવાનું જણાવ્યુ હતું .ત્યારબાદ આરોપી સદામ સમા ફરિયાદીને રજાક સમાના ઘરે લઈ ગયેલ હતો અને ત્યાં ફરિયાદીની મુલાકાત રજાક સમા તથા ઈશાક સમા સાથે કરાવેલ હતી. ત્યારબાદ આરોપીઓ ફરિયાદીને અવાર-નવાર સોનું ખરીદવાનું કહેતા હતા. જેથી ફરિયાદીએ 1 કિલો સોનું ખરીદવાની તૈયારી બતાવી હતી. આરોપીએ 12.50 લાખ રૂપિયા એડવાન્સ આપવા તથા સોનું તેમના વતન ઉત્તરપ્રદેશ ઘરે આપી જવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ ફરિયાદીએ આંગળિયા દ્વારા 12.50લાખ રૂપિયા મોકલાવેલ હતા. આરોપીઓએ અંદાજે બે માસથી લઇ આજદિન સુધી ફરિયાદીને એક કિલો સસ્તા ભાવે આપવાની લાલચ આપી નાણાં આપ્યા બાદ આરોપીઓએ સોનું ન આપ્યું અને નાણાં પણ’ પરત ન આપતાં ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત-છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.’