ડીપીએનાં ખુલ્લાં વર્કશોપમાંથી રૂ.1.68 લાખના પંખાની તસ્કરી થતાં ચકચાર.

દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલામાં ખુલ્લા વર્કશોપમાં કોઈ અજાણ્યા ઇસમઓ ત્રાટકી પાંચ પ્રોપીલર (પંખા) જેની કુલ કિંમત રૂપિયા 1,68,400ની ચોરી કરી ફરાર. વર્ષ 2010-11માં સેતુ સમુદ્રમ કોર્પોરેશન લિ.ચેન્નાઈ દ્વારા કંડલા પોર્ટને ચાર ક્રાફ્ટ અને તેની સાથે અલગ અલગ સાધન સામગ્રી પૈકી પાંચ પ્રોપીલર (પંખા) હતા. જે તમામને ડીપીએ પોર્ટ પર ખુલ્લા વર્કશોપમાં રાખવામાં આવી હતી. જેમાંથી 200 કિલોના પ્રોપીલર (પંખા)ની ચોરી કરી જવાઈ હતી. જેની અંદાજીત 1 કિલોની કિંમત રૂપિયા 842 લેખે કુલ 200 કિલોની કિંમત રૂપિયા 1,68,400 ની ચોરી થયેલ છે.વર્કશોપના મુખ્ય ગેટ ઉપર સુરક્ષા કર્મચારી ફરજ પર રહે છે, પરંતુ દિવાલ ઉપરથી કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશી શકે તેમ છે. સ્ટોર રૂમના બે પૈકી આગળનો દરવાજો અંદરથી બંદ રહે છે. ડીપીએના અધિકારીઓની ચકાસણીમાં તે ખુલેલી હાલતમાં નજરે પડયો હતો. જેથી દિવાલ કુદીને ચોરી કરી હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. અહીંના ગોપાલપુરીમાં રહેતા અને ડીપીએમાં મરીન એન્જીનીયર ગ્રેડ-1 તરીકે ફરજ બજાવતા રાજદેવકુમાર શ્યામસુંદર ભગતની ફરિયાદ પરથી પોલીસે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે