કિડાણા નજીક છરીની અણીએ વેપારી પાસેથી રોકડ તથા મોબાઈલની લૂંટ….
કિડાણા નજીક યુવાનને છરી બતાવી બે લૂંટારુએ રોકડ રકમ તથા મોબાઇલ એમ કુલ્લ રૂા. 11,500ની મતાની લૂંટ કરી નાસી ગયા હોવાની ફરિયાદ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
ગાંધીધામ ગણેશનગરમાં રહેતા અને આ જ વિસ્તારમાં ભોલા કલેકશન નામની કપડાની દુકાન ધરાવતા ધરમશી કેશવજી દનિચા (મહેશ્વરી)એ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, સાંજે ફરિયાદી પોતાની દુકાને હતા તે દરમિયાન ઘરેથી ફોન આવ્યો હતો અને ઘરે રહેલા ઘઉંમાંથી એક બોરી કૌટુંબિક બહેન લક્ષ્મીબેનના ઘરે કિડાણા પહોંચાડવા જણાવાયું હતું. જેથી ફરિયાદીએ પોતાના નાના ભાઇ ભરતને દુકાને બેસાડી પોતે ઘરે ગયા હતા અને ઘઉંની બોરી મોપેડ નંબર જી.જે. 12-ઇ.એન. 5432માં પર લઈ કિડાણા ગયા હતા.
કિડાણા બહેનને ઘઉં આપી ફરિયાદી ડીપીએ નર્સરીવાળા કાચા માર્ગ પરથી પરત આવી રહ્યા હતા તે દરમ્યાન પાછળથી આવેલી બાઇકની પાછળ બેઠેલો શખ્સ અચાનક ફરિયાદીની મોપેડ પાછળ બેસી ગયો હતો અને ફરિયાદીના ગળામાં છરી રાખી 200 મીટર જેટલે દૂર બાવળની ઝાડીમાં વાહન લઇ જવા ધમકી આપી હતી. ત્યાં લઇ જઇ આ શખ્સે ફરિયાદીને ઝાપટો ઝીંકી અને પોતાની પાસે જે હોય તે આપી દેવા ધમકી આપી હતી. ફરિયાદીએ રૂા. 6500 કાઢતાં આ શખ્સે તે રૂપિયા ઝૂંટવી લીધા હતા તો બીજા શખ્સે ફરિયાદીનો મોબાઈલ પણ ઝૂંટવી લીધેલ હતો. .ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપીઓ લાલ-બ્લ્યૂ રંગના પટ્ટાવાળી સ્પેલેન્ડર બાઇક પર આવેલા આ શખ્સો પૈકી એકે ક્રીમ જેવું શર્ટ તથા બીજાએ મરૂન રંગનું ટીશર્ટ પહેર્યું હતું. પોલીસે આ અંગે અજાણ્યા લૂંટારુ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.