લૂંટારુથી સાવધાન, વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં…  મેઘપર બોરીચી પાસે બાઇક પર આવેલ લૂંટારુએ યુવકને મારમારી 15 હજારની લૂંટ ચલાવી

chor

હાલમાં ગાંધીધામ પંથકમાં લૂંટના બનાવો છાસવારે સામે આવી રહ્યા છે, ત્યારે આદિપુરમાં વોકિંગ કરવા જઈ રહેલ મહિલાના મંગલસૂત્રની લૂંટ બાદ ગાંધીધામના વેપારી પાસેથી મોબાઈલ તથા રોકડની લૂંટ ચલાવાઈ હતી તો વધુ એક વાર એક યુવકને લૂંટયો હોવાનો સામે આવ્યું હતું.

મેઘપર બોરીચીમાં આવેલ ઓધવ સોસાયટી આગળ પહોચેલ યુવકને બે અજાણ્યા શખ્સોએ માર મારી મોબાઈલ તથા રોકડની લૂંટ ચલાવી નાસી ગયા હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

આ અંગે કરણજી ગગુજી જાડેજાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ બાઈક દ્વારા જઈ રહ્યા હતા તે દરમિયાન મેઘપર બોરીચીમાં આવેલ ઓધવ સોસાયટી પાસે પહોચેલ ત્યારે બે અજાણ્યા શખ્સો બાઇક દ્વારા આવેલ અને ફરિયાદીને અટકાવી દીધેલ હતા. એક આરોપી પાસે ધોકો તો બીજાના હાથમાં છરી હતી. આરોપીએ ફરિયાદી ઉપર ધોકા વડે હુમલો કરતાં ફરિયાદીએ ગભરાઈ જઈ આરોપીને પોતાની પાસે રહેલ દસેક હજાર રૂપિયા ભરેલ પાકીટ તથા મોબાઈલ ફોન આપી દીધેલ હતો. આરોપીએ ફરિયાદી પાસે મોબાઈલના પાસવર્ડ માંગતા ફરિયાદીને વાગેલ હોઈ પાસવર્ડ ન યાદ ન આવતા આરોપીઓએ ધોકા વડે તેમજ બીજા આરોપીએ પેટના ભાગે છરી વડે હુમલો કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. જેથી ફરિયાદીએ રાડારાડ કરતાં આરોપીઓ ત્યાથી નાસી ગયા હતા. ફરિયાદીને રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ ડિવાઈન લાઈફ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા લૂંટારુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.