મુન્દ્રાના બંધ રહેણાંક મકાનમાથી રોકડ તથા દાગીના મળી 2.33 લાખની તસ્કરી

મુન્દ્રાના બંધ રહેણાક મકાનના તાળાં તોળી ચોરે ઘરમાં પ્રવેશ કરી દાગીના તથા રોકડની તસ્કરી કરી ગયો હોવાની ફરિયાદ મુંદ્રા પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે જૈન નગર મુન્દ્રામાં રહેતા વાલજી દામજીભાઇ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ આદિત્ય મરીનમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તા.28-4ના તેઓ રાત્રિના આશરે નવેક વાગ્યે પોર્ટ પર નોકરી પર ગયેલ હતા. જ્યારે તા.29-4ના સવારના અગિયારેક વાગ્યાના અરસામાં ફરિયાદીના પત્ની  તથા બાળકો બારોઈ ગામે ગયેલ હતા. તા.30-4ના ફરિયાદી પણ તેમના સસરાના ઘરે બારોઈ ગયા હતા ત્યાથી સાંજના આઠ વાગ્યાના અરસામાં ફરિયાદી તથા તેમના સાળા હેમરાજભાઈ માતંગ  બંને જણા મુન્દ્રા વાળા ઘરે પરત જતાં ઘરના દરવાજામાં લાગેલ સેન્ટર લોક તૂટેલ હાલતમાં નજરે પડ્યો હતો. જેથી ફરિયાદીએ ઘરમાં જઈ તપાસ કરતાં રૂમનો લાકડાનો કબાટ ખુલ્લી હાલતમાં જોવા મળ્યો હતો ઉપરાંત સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો. જેથી કબાટમાં તપાસ કરતાં તેમના પત્નીના ચાંદીના કડલા, ચાંદીના સાકરા, સોનાની વીંટી, સોનાનો હાર તથા બુટ્ટી, ચાંદીની બંગડી, સોનાની ચેન, ચાંદીની જેર મળી કિ.રૂ.1,93,595 ના દાગીના તથા 40,000 રૂપિયા રોકડા મળી 2,33,595ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.