વરસાણા નજીક બોલેરોમાંથી ચાર લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
અંજાર તાલુકાના વરસાણા નજીક એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી કરી એક બોલેરો ગાડીમાંથી રૂા. 3,99,000ના શરાબ સાથે બોલેરો ચાલકની અટકાયત કરી સામેલ અન્ય 11 શખ્સોને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરાઇ છે.
પોલીસને મળેલ પૂર્વ બાતમીના આધારે ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પર ટોયોટાના શોરૂમ પાસે વરસાણા નજીક પોલીસ વોચમાં હતી તે દરમિયાન નંબર વગરની કાર આવતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કરતાં તેમાં સવાર બે શખ્સે કારને ઓવરટેક કરી આગળ જવા દીધી હતી, જ્યારે માલ ભરીને પાછળ આવતી બોલેરો અટકાવતાં ચાલકે ચાલતી ગાડીમાંથી ઊતરી જઇ નાસી જવા પ્રયાસ કર્યો હતો. આ . દરમ્યાન બોલેરો રેલિંગમાં જઇને ભટકાઇ ગઈ હતી જ્યારે નાસી રહેલા ચાલક જશરાજ ભગા ભરવાડને પોલીસને ઝડપી પાડયો હતો.
બોલેરોમાથી એડ્રીલ ગ્રીન એપલ વોડકા 750 એમએલની 612 તથા’ જાર્વિસ રીસર્વની 750 મિ.લી.ની 528 એમ કુલ 1140 બોટલ કિંમત રૂા. 3,99,000નો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સ જશરાજ ભગા ભરવાડને પૂછપરછ કરાતાં પુના ભાણા ભરવાડ, રામા વજા ભરવાડ, અરવિંદ ઉર્ફે મામો રબારી, અનોપસિંહ તથા હિંદા ભગુ ભરવાડ ભાગીદારીમાં મોટા પ્રમાણમાં દારૂ મગાવી તેનું કટિંગ કરી જુદી જુદી જગ્યાએ મોકલાવે છે. પોતે માલ પહોંચાડવા જતો હોવાનું તેણે કેફિયત આપી હતી. પુનાએ બોલેરો લઇ અંજાર આવવાનું કહ્યું હતું. જ્યાં દેવેન્દ્ર ખોડીદાસ કાપડી તથા વિજય કાપડીએ ભુજ તાલુકાના કેરા મધ્યે વાહન લઇ જવા કહ્યું હતું. ચાલક કેરા વાડી વિસ્તારમાં જતાં ત્યાં બકુલ શકતા ભરવાડ અને વાલો રબારી તેની પાસેથી ગાડી લઇ જઇ તેમાં માલ ભરી પરત લાવ્યા હતા. ત્યાં રમેશ નાગજી ભરવાડ અને ધવલ કાપડી પાયલોટિંગ કરી આ બોલેરોને ભચાઉ બાજુ લઇ જઇ રહ્યા હતા.. પકડાયેલા આ શખ્સ પાસેથી દારૂનો જથ્થો , બોલેરો કિ.રૂ.2,00,000 , એક મોબાઇલ ફોન કિ.રૂ.10,000 મળીને’ કુલ રૂા. 6,09,000નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પોલીસે સંડોવાયેલા 11 આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.