ગાંધીધામમાં દીનદહાડે ઘરમાથી દાગીના તથા રોકડ મળી 1.96 લાખની તસ્કરી
ગાંધીધામમાં દીનદહાડે ઘરમાથી ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. દીકરીને સ્કૂલ લેવા ગયેલ અને અડધા કલાકમા જ ચોર ઘરમાં હાથ ફેરો કરી છૂમંતર થઈ ગયો હતો. આ ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે પ્લોટ નં.52 વોર્ડ નં.10/એ ગુરુકુળ ગાંધીધામમાં રહેતા રાજેશકુમાર ઓમપ્રકાશ બંસલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ ગઈ કાલે સવારના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં નોકરી પર ગયેલ હતા. બપોરે સવા બે વાગ્યાના અરસામાં તેમના પત્ની નિશાબેને તેમને જાણ કરેલ કે, તેઓ આશરે પોણા બે વાગ્યાના અરસામાં તેમની દીકરી રાધિકાને સ્કૂલથી લેવા ગયેલ હતા. ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો ઉપરાંત ઘરમાં બધુ અસ્તવ્યસ્ત નજરે પડતાં ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ફરિયાદીએ ઘરે આવી તપાસ કરતાં ઘરના પાછળના રૂમમાં રહેલ બે લોખંડના કબાટ ખુલ્લી હાલતમાં હતા તેમજ બધુ સામાન વેર-વિખેર હતો. તેમજ કબાટના લોકર તૂટેલ હતા. ફરિયાદી કબાટમાં રાખેલ સોનાની ચેન, સોનાની વીંટી, સોનાની ઈયર રીંગ, સોનાના સિક્કા, ચાંદીના બિસ્કીટ જેવી પ્લેટ, ચાંદીની નાની મોટી પાયલ તથા રોકડ રૂપિયા 37,100 મળી કુલ કી.રૂ. 1,96,500ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.