ભુજમાં મૃત લોકોના પાવરનામાના આધારે બોગસ દસ્તાવેજ બનાવનાર 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ
ભુજના કાકા-ભત્રીજાએ કાવતરું રચીને મૃત વ્યક્તિઓને જીવિત અને હયાત જણાવતું ખોટું સોગંદનામું બનાવી આર્થિક નુકસાન પહોંચાડવા બોગસ દસ્તાવેજ તૈયાર કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
ભુજના અને હાલમાં વકીલાતની પ્રેક્ટિસ કરતાં સમા કોલોની, જેષ્ઠાનગર, ભુજમાં રહેતા ફિરોઝ મહમદ સમાએ બનાવ અંગે હારુન ઓસમાણ સમા (રહે. હાલ મેઘપર કુંભારડી, અજાર) અને તેના ભત્રીજા અસગર અબ્દુલ્લા સમા વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીનો નાના ભાઈ મન્સુર સમા રાજેન્દ્રનગરમાં એ.સર્વે નંબર ૩૫૯/૨વાળીમાં ભરપે માપે કે-૨૮૫-૩૧વાળી જમીન આવેલી છે. ૨૦૧૮માં મન્સુરે આ જમીન બિનખેતી કરાવવા કલેક્ટરને અરજી કરેલી અને કલેક્ટરે બિન ખેતી કરવા હુકમ કરેલો હતો. ત્યારે અબ્દુલ્લા ઓસમાણ સમા (રહે. જેષ્ઠાનગર)એ કલેક્ટરના હુકમથી નારાજગી દર્શાવી મહેસુલ સચિવ સમક્ષ રિવિઝન અરજી દાખલ કરેલી પરંતુ મહેસુલ સચિવે અરજી મંજૂર કરી ન હતી. ત્યારબાદ ઓસમાણે જમીનમાં ભાગ મેળવવા ભુજ કોર્ટમાં દિવાની દાવો દાખલ કરી મનાઈ હુકમની અરજી પણ કરેલ હતી. કોર્ટે આ અરજીને પણ ના મંજૂર કરેલ હતી અને તે દાવો હાલમાં ભુજ કોર્ટમાં ચાલું છે.
આ બાદ અબ્દુલ્લા ઓસમાણનું સમાનું નિધન થતાં તેના નાના ભાઈ હારૂન સમાએ પોતે તેમજ અન્ય સંબંધીઓના પાવરદાર તરીકે એ કેશમાં સ્ટે મેળવવા કૉર્ટમાં અરજી કરેલી પરંતુ કોર્ટે અરજી નામંજૂર કરતાં હારૂને જિલ્લા અદાલત અને ત્યારબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલી પરંતુ ત્યાંથી પણ સ્ટે મળ્યો નહોતો.
ગત ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ભુજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં હારૂને ઓસમાણની પત્ની આઈશાબાઈ અને પુત્રી રહેમતબાઈએ અગાઉ કરી આપેલાં પાવરનામાના આધારે લીઝ પેન્ડેન્સીની નોંધ પડાવવા અરજ કરેલી હોવાનો પત્ર ફરિયાદીના ભાઈને મળ્યો હતો. આ અંગે તપાસ કરતાં પાવરનામાં પાવર આપનાર બંને વ્યકિતિઓ મરણ પામેલ છે. આઈશાબાઈ અને રહેમતબાઈ મૃત્યુ પામેલા હોઈ સરકારી નિયમ મુજબ આ પાવરનામ રદ થઈ ગયેલ ગણાય તેમ છતાં આ રદ પાવરનામાનો ઉપયોગ કરાયો હતો. જ્યારે ખુદ હારૂને તેઓ મૃત્યુ પામ્યા હોવાનું ૧૪-૦૬-૨૦૨૧ના રોજ કોર્ટમાં કરેલી એક પૂરશીશમાં જણાવ્યું હતું. બંને મૃત્યુ પામ્યાં હોવા છતાં હારૂને તેઓ હયાત અને જીવિત હોવાનું દર્શાવી સોગંદનામું કરી લીઝ પેન્ડેન્સીની નોંધ પડાવવા પ્રયત્ન કર્યો હતો.
આરોપીએ ભત્રીજા અશગર સમાના દસ્તાવેજોની નોંધ કરાવવા માટે ભુજ સિટી સર્વે કચેરી વોર્ડ નં.33માં લીઝ પેન્ડેન્સીની દસ્તાવેજની નકલ રજૂ કરેલ હતી પરંતુ જ્યુડિશિયલ કોર્ટના હુકમ સિવાય રેવન્યુ રેકર્ડમાં કરવાની મંજૂરી ન હોતા અરજી પરત મોકલાઈ હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.