ભીમાસરમાં દીનદહાડે ઘરમાથી 1.85 લાખની તસ્કરી થતાં ચકચાર મચી
રાપર તાલુકાના ભીમાસર ગામમાં ઘરમાલિક ઘેટાં-બકરાં ચરાવવા ગયાને પાછળથી ચોરે તેમના ઘરના તાળાં તોડી રૂા. 1,85,000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
ભીમાસરમાં રહેનાર રમેશ ભલા ભરવાડે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ગઈકાલે સવારે 10થી બપોરે એક વાગ્યા દરમ્યાન ચોરે ચોરીને અંજામ આપ્યો હતો. ફરિયાદીના પત્ની લાભુબેન ગત તા. 15/5ના પોતાના પિયર ગાગોદર ગયા હતા. ફરિયાદી યુવાન ગઈકાલે સવારે પોતાના તથા પોતાના ભાઈ પાંચાના ઘેટાં-બકરાં લઈને સીમમાં ચરાવવા માટે ગયા હતા. થોડા સમય બાદ ત્યાં પાંચાભાઈ બાઈક લઈને આવતાં ફરિયાદી યુવાને ઘેટાંબકરાં માટે ગાવત્રી લેવા જવાનું કહી બાઈક લઈને ઘરે પરત ફર્યા હતા. ફરિયાદીના ઘરની ચાવી પડોશી પદુભા વાઘેલાના ઘરે હોવાથી ફરિયાદીએ તેમને ફોન કરતાં તેમણે ફોન ઉપાડ્યા ન હતા જેથી ફરિયાદી પોતાના ઘરની દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશતા તેમના રૂમના દરવાજાના તાળા તૂટેલા તેમજ ઘરની અંદર તિજોરીમાં રાખેલ બધું સામાન વેરવિખેર નજરે પડયું હતું. જેથી ફરિયાદીએ તિજોરીમાં તપાસ કરતાં તિજોરીમાંથી રોકડ રૂા. 10,000 તથા સોનાની ચેન સાથે કૃષ્ણનું સોનાનું પેન્ડલ, સોનાનું હાથમાં પહેરવાનું કડું એમ કુલ રૂા. 1,85,000ની મતાની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. દીનદહાડે ચોરીની આ ઘટનાથી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.