ફતેગઢ સીમમાથી 1,75,700નો શરાબનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ

લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમ નાઈટ રાઉન્ડમાં હતી તે દરમિયાન ફતેગઢ ગામ નજીક આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગંગારામ વેરશી કોલી પોતાના કબજાની મહિન્દ્રા માર્શલ ગાડી નં.જીજે-12-જે-7707 માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વૌવા ગામના રણમાથી ચોર રસ્તેથી પસાર થઈ ફુલપરા માં રહેતા મનજી ઉર્ફે મનિયો માવજી કોલીને આપવાનો છે અને તે દારૂના જથ્થાનું કટીંગ ફતેગઢ ગામથી મોવાણા તરફ જતાં રસ્તા બાજુ ફતેગઢ સીમમાં આવેલ માટીની ખાણો બાજુ તળાવ પાસે પડતર જમીનમાં કરેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડતા ઉપરોક્ત કાર તથા એક મોટર સાઈકલ અને ત્રણેક ઈસમો માર્શલ કારમાથી સ્વીફ્ટ કારમાં દારૂની પેટીઓ ભરતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસની ટીમને જોઈ આરોપી ગંગારામ વેરશી કોલી મનજી ઉર્ફે મનિયો માવજી કોલી તથા અન્ય એક શખ્સ એમ ત્રણેય આરોપીઓ વાહનો મૂકી અંધારાનો લાભ લઈ ઝાડીઓમાં નાસી જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે ગાડીઓની તલાસી લેતા ભારતીય બનાવટની 750 તથા 180 મીલીની 792 નંગ વિદેશી દારૂની બોટલો તથા 480 નંગ બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે 1,75,700નો શરાબનો જથ્થો, 2 કાર તથા બાઈક મળી કુલ નંગ 3 વાહન કી.રૂ.1,95,000 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.5,000 મળી કુલ કિ.રૂ.3,77,700નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.