સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પડાણા પાસેથી ટ્રકમાં ભરેલ ગેરકાયદેસર દારૂની 933 બોટલો સાથે એક આરોપીને ઝડપ્યો: 2 ફરાર

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ગાંધીધામ જીલ્લામાં ગેરકાયદેસરની દારૂની તથા જુગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આર-જે-04-જીબી-3290 ટ્રક બનાસકાંઠા જિલ્લાના બોર્ડર પસાર કરી રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી હાલ પડાણા ગામ નજીક હાઇવે રોડ પર પડેલ છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરવા ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડતા રોડની બાજુમાં ઉપરોક્ત બાતમી હકીકત વાળી ટ્રક રોડની સાઇડમાં પડેલ જોવા મળી હતી. આ દરમિયાન ઉપરોક્ત ટ્રકના ચાલકે પોતાની ટ્રક હંકારી મૂકી હતી. પોલીસ ટ્રકની વોચમાં હતી ત્યારે મોડવદર પુલિયા ઉપર આવતા ટ્રકના ચાલકે ટ્રક થોભાવી નીચે ઉતરી અચાનક ભાગવા લાગ્યો હતો. પોલીસે ઉપરોક્ત આરોપી ધોલારામ આસુરામ બિશ્નોઈનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકની તાડપત્રી ઉચકાવી ટ્રકની તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી  કી.રૂ.3,07,740નો દારૂનો જથ્થો , ટ્રક કી.રૂ.8,00,000 આધારકાર્ડ, એ.ટી.એમ.કાર્ડ, તથા રોકડા રૂપિયા 540 સહિત 11,08,280નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  

પોલીસે પકડાયેલ આરોપીને દારૂના જથ્થા અંગે પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો આરોપીના શેઠ રાજુ મહારાજના માણસે ભરી આપવાનું અને હાલમાં ગાંધીધામમાં રહેતા શેઠ રાજુ મહારાજને (રહે. ગાંધીધામ, મુળ રાજસ્થાન) ગાંધીધામ મોડવદર પુલિયુ ઉતરતા આપવાનું હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન તેના શેઠ અને દારૂ ભરી આપનાર બંને આરોપી હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.