ધાણેટી પાસેથી આધાર વિનાનો 34 હજારનો ડીઝલ ઝડપાયો:આરોપી ફરાર
પધ્ધર પોલીસે ગત મોડી રાત્રિના 11 વાગ્યાના અરસામાં આધાર વિનાનો રૂ. 34 હજાર 650ની કિંમતનો ડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે આરોપી નાસી છૂટ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર ભુજ-ભચાઉ હાઇવે રોડ પર ઉખડમોરા ગામના પાટીયા પાસે એક ટ્રક MH-43-Y-7099 રોડની સાઇડમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ ટ્રકની તપાસ કરવા જતાં ટ્રક ચાલક પોલીસને જોઇ ટૂકને હંકારી મુકી હતી. પોલીસે ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે ટ્રકને ભુજ-ભચાઉ હાઇવે રોડ પર ધાણેટી નજીક ભગવતી હોટલથી થોડે આગળ બાવળોની ઝાડી પાસે ટ્રક ચાલુ હાલતમાં મુકી દીધું હતું જ્યારે ટ્રકચાલક બાવળોની ઝાડીઓનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રકના ઠાઠામાંથી બ્લુ કલરના પ્લાસ્ટીકના 35 લીટરની ક્ષમતા વાળા કેરબા નંગ-11મા 386 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે રૂ. 34 હજાર 650ની કિંમતનો ડિઝલનો જથ્થો તેમજ ટ્રકને હસ્તગત કરી નાસી છૂટેલા આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.