ઓધવ ડેવલોપર્સના ભાગીદારોએ ભાગીદાર જોડે જ ઠગાઈ આચરી, 4 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ઓધવ હરી અને ઓધવ ડેવલોપરના નામે ભુજ-માધાપર સહિત કચ્છમાં અનેક જગ્યાએ જમીનો ખરીદી રહેણાંક મકાનોની સ્કિમ બનાવનાર લીલાધર હિરજી દામા, રાજેન્દ્ર ત્રિકમજી ટાંક સહિતના લોકોએ પાર્ટનર જોડે જ ઠગાઈ આચરી હોવાની ફરિયાદ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ગાંધીધામના મેહુલ શમચંદ્ર નાકરે લીલાધર અને રાજેન્દ્ર સાથે મુંબઈમાં રહેતાં યુગલ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે..
આ અંગે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 2002માં તેમણે ઓધવ લક્ષ્મી બિલ્ડકોન પ્રા.લી. નામની કંપની શરૂ કરેલ હતી જેમાં લીલાધર હિરજી દામા, રાજેન્દ્ર ત્રિકમજી ટાંક તથા રાયશી ખેરાજભાઈ મહેશ્વરી એમ ચારેય સરખા ભાગે ભાગીદાર થયેલ હતા. કંપની વતી તેમણે મિરજાપર ગામે મુંબઈ રહેતાં મહેશ રતિલાલ મરોલીયા અને મહેશની પત્ની હિનાની સંયુક્ત માલિકીનું સર્વે નંબર ૧૨૨માં આવેલું ખેતર ૭૫ લાખમાં ખરીદેલું ત્યારબાદ આ ખેતરને બિન ખેતીમાં કરાવી તેમણે પ્લોટ પાડેલાં અને માસિક ૯૦૦ રૂપિયાના ૩૬ હપ્તા લેખે ગામમાં વેચાલ શરૂ કરેલું, મહેશ અને હિનાને ખેતરની ખરીદી પેટે ૫૬ લાખ બેન્ક ખાતામાં અને બાકીના ૧૯ લાખ રોકડાં ચૂકવવામાં આવ્યા હતાં.
ત્યારબાદ લીલાધર દામાએ ખરીદેલી જમીનના ટાઈટલ ક્લિયર નથી, જમીન મુળ જૂની શરતમાં છે અને રેકોર્ડમાં નવી શરત બોલે છે. જો આપણે જમીનના દસ્તાવેજ કરાવીશું તો આપણે મોટી રકમ ભરવી પડશે અને જમીન બહુ મોંઘી પડશે તેવું ફરિયાદીને જણાવ્યુ હતું. ઉપરાંત લીલાધર દામાએ હું મારા પુત્ર હિંમત જોડે વાત કરી કાં તમારા રોકેલાં નાણાં પાછાં આપી દઈશ અધવા જમીનનો ભાગ આપી દઈશ તેવી વાત ફરિયાદી સાથે કરેલ હતી. જો કે, ત્યારબાદ કંપની બંધ કરી દેવામાં આવી હતી. અને આરોપીએ ફરિયાદીને ના તો પ્લોટના ભરેલ પૈસા પરત આપ્યા અને ન પ્લોટો આપ્યા. ઉપરાંત લીલાધર દામાં અને રાજેન્દ્ર ટાંકે મુંબઈસ્થિત યુગલ સાથે મિલિભગત કરીને જમીનના કેટલાંક ટૂકડાના તેમની જાણ બહાર લીલાધર દામાએ તેમના પુત્ર હીમત તથા રાજેન્દ્ર ટાંકે પોતાના પત્ની નીતાબેન ના નામે કરાવી લઈ ૨૦૧૭ અને ૨૦૨૧માં નોંધ પડાવી બાકી રહેલ જમીન પોતાના પરિવારના સભ્યોને નામે કરી દીધી હતી. આ રીતે, તેમણે ફરિયાદીને અંધારામાં રાખી ફરિયાદી સાથે ઠગાઈ આચરી વિશ્વાસઘાત કર્યો હતો.