રાપર ખાતે આવેલ નાની રવમાં બોલાચાલી થયા બાદ પાઇપ ફટકારી બેની હત્યાનો પ્રયાસ કરવા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

રાપર ખાતે આવેલ રવ ગામે એક વખત માર ખાતા બચીને  ભાગેલા ત્રણ ઉપર ગામના બસ સ્ટેશન પાસે ફરી એક વખત પાઇપ અને લાકડી દ્વારા હુમલો કરી બે જણાની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 10 સખ્શો સામે ફરિયાદ નોંધાઇ છે. રાપર ખાતે આવેલ નાની રવ ગામે રહેતા 23 વર્ષીય પચાણભાઇ ખોડાભાઇ રબારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.  નોંધાવેલી ફરિયાદ અનુસાર  10 દિવસ પૂર્વે તેમના માતા કેસરબેને તેમને વાત કરી હતી કે આપણા જ વાસમાં રહેતો વસાભાઇ ખોડાભાઇ રબારી આપણી દિકરી ભાણીબેનને ખૂબ પરેશાન કરી રહ્યો છે. આ બાબતે તેમની વસા સાથે બીજા દિવસે બોલાચાલી થઇ હતી.

આ વાતનું મનદુ:ખ રાખી રવિવારે જ્યારે તેઓ પોતાના મોટાબાપુ ભાણભાઇ વાલાભાઇ રબારી અને વસાભાઇ વાલાભાઇ રબારી સાથે બાઇક પર મોટી રવથી નાની રવ તરફ જઇ રહ્યા હતા તે દરમીયાન તળાવ નઝીક બાઇક પર આવેલા નાથા માલા રબારી, નીલા સાજણ રબારી, નાથા ખોડા રબારી અને નાથા માલા રબારીએ તેમની બાઇક સાથે પોતાની બાઇકો અથડાવી ત્રણેય જણને  નીચે પાડી લાકડીથી માર માર્યો હતો.ત્યાંથી નિકળી ગયા બાદ ગામના બસ સ્ટેશન પાસે ફરી લોખંડના પાઇપ અને લાકડી જેવા હથિયાર સાથે આવેલા વસા ખોડા રબારી, સાજણ રબારી, ભાણા ખોડા રબારી, વાલા જેમલ રબારી, ખોડા પાંચા રબારી, રામજી લાખા રબારી, કુવરા છના રબારીએ ત્યાં આવી આજે તો લાગમાં આવ્યા છો છોડવા જ નથી તેમ કહી મારી નાખવાના ઇરાદે મશરૂભાઇ ભુરાભાઇ રબારી અને લક્ષ્મણભાઇ પચાણ રબારીને માથામાં પાઇપ ફટકારી ગંભીર ઇજા પહોચાડી હતી.  તેમજ તેમને અને અન્યને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. રાપર પોલીસે 10 શખ્શ સામે હત્યાના પ્રયાસની કલમો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.