માંડવી ખાતે આયોજિત  શિબિરમાં ગુજરાતના 25 જેટલા વાર્તાકારોએ ભાગ લીધો

copy image

માંડવીની વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા સંસ્થાના પરિસરમાં બે દિવસીય વાર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યભરમાંથી કુલે 25 જેટલા વાર્તાકારની  ઉપસ્થિતિ જણાઈ હતી. કચ્છના જાણીતા વાર્તાકાર માવજી મહેશ્વરીનાં માર્ગદર્શન અંતર્ગત યોજાયેલી શિબિરમાં અમદાવાદ, વડોદરા, અમરેલી, જાફરાબાદ, મહેસાણા, સુરત, વલસાડ, રાજકોટ, હિંમતનગર, ભાવનગરના વાર્તાકારોએ ભાગ લીધો હતો. મુંબઇના હરિહીરા તર્પણ ટ્રસ્ટના સૌજન્યથી આયોજિત શિબિરના આરંભે સંસ્થાના પ્રતિનિધિ ગોરધન પટેલ `કવિ’એ સૌને આવકારતાં સાત વર્ષથી યોજાતા વાર્તા શિબિરની માહિતી આપી હતી. શિબિરમાં ઉપસ્થિત વાર્તાકારોએ પોતાની અપ્રગટ વાર્તાઓનું વાંચન કર્યું હતું. અપ્રગટ આ વાર્તાઓ પૈકી કેટલીક વાર્તાઓએ ખૂબ રસ જગાવ્યો હતો, જેનાથી પ્રેરાઇને સંસ્થાના વિવેકગ્રામ પ્રકાશન દ્વારા તેને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાની ઘોષણા કરવામાં આવી હતી. શિબિરની કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઇ જોશી, સાહિત્ય પ્રેમી પીયૂષભાઇ શાહ, નિશાબેન શાહ દ્વારા  મુલાકાત લઇને સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી.