કચ્છ યુનિવર્સીટીમાં નવી શિક્ષણનીતિ અનુસાર અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો
copy image
ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિની અમલવારી માટે જાહેર કરવામાં આવેલ સમાન પરિપત્ર અંતર્ગત કચ્છ યુનિવર્સિટી દ્વારા કેટલાક કોર્સના અભ્યાસક્રમ તૈયાર કરી તેનો અમલ શરૂ કરી દેવામાં આવેલ છે, જ્યારે બાકીના કોર્સની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કચ્છ યુનિ.ના રજિસ્ટ્રાર ડો. જી.એમ. બુટાણી દ્વારા જાણવા મળ્યું કે, નવી શિક્ષણનીતિ આધારિત અભ્યાસક્રમ શરૂ કરવા એકેડેમિક કાઉન્સિલે મંજૂરી આપ્યા બાદ એકિઝકયુટિવ કાઉન્સિલની માત્ર ઔપચારિકતા બાકી છે, જે અનુસાર અમૂક કોર્સની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, જ્યારે બાકીના તમામ કોર્સનું સ્ટ્રકચર તૈયાર હોવાથી એક સપ્તાહમાં તેની માહિતી પણ જાહેર કરવામાં આવશે. આમ આ સાથે ચાલુ નવા શૈક્ષણિક સત્રથી જ નવી શિક્ષણનીતિ મુજબનો અભ્યાસ કચ્છ યુનિવર્સિટી અને તેના હેઠળની કોલેજોમાં શરૂ થઇ કરી દેવાયો છે. દરમ્યાન, આઇકયુએસી અને એનઇપીના ડાયરેકટર ડો. કાશ્મીરા મહેતા દ્વારા જાણવા મળ્યું કે, ગુજરાત સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરમાં રાજ્યની દરેક યુનિવર્સિટી માટે સમાન ક્રેડિટ સ્ટ્રકચર લાગુ કર્યું છે, જેનાથી અન્ય યુનિવર્સિટીમાંથી આવતા વિદ્યાર્થીઓને ક્રેડિટ સિસ્ટમના કારણે થતી મુશ્કેલી દૂર થઇ છે. આખા ગુજરાતમાં સમાન અભ્યાસક્રમ અમલી બનતાં વિદ્યાર્થીઓને રાહત થશે તેમ ઉમેર્યું હતું. વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અભ્યાસક્રમમાં વિષય વૈવિધ્ય વધુ મૂકવામાં આવ્યું છે, સાથે મૂલ્ય શિક્ષણ પર ભાર આપવા ગીતા, યોગ તથા પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા ઘણા વિષયોનો ઉમેરો કરવામાં આવ્યો છે તથા સ્કિલ ડેવલપમેન્ટના કારણે વિદ્યાર્થીઓની આવડત વિકસશે. હાલમાં બી.કોમ., બી.બી.એ. તથા એમ.બી.એ. (ઇન્ટિગ્રેટેડ)ના કોર્સના સિલેબસ ઓનલાઇન મુકાયા છે, જ્યારે બીજા કોર્સ તબક્કાવાર ટૂંક સમયમાં મુકાઇ જશે. આ તમામ કોર્સમાં નવી નીતિ મુજબ પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા અને ત્યારબાદ ડિગ્રી આપવામાં આવશે અને કુલ ચાર વર્ષ પૂર્ણ કરનારને રિસર્ચ-ઓનર્સ સાથેની માન્યતા પ્રાપ્ત થસે. જેથી જે-તે ક્ષેત્રમાં જવા માગતા વિદ્યાર્થી પાસે નોકરી મેળવાની તકો વધશે તેવું જાણવા મળ્યું હતું.