ગાંધીધામના લોકો ખાડા-ગંદકીથી ત્રસ્ત
ગાંધીધામની નગરપાલિકા અને સત્તાપક્ષ દ્વારા દર વર્ષે પ્રાથમિક સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં શહેરીજનો પ્રાથમિક સુવિધાથી વંચિત છે ત્યારે ગાંધીધામમાં કેમ્પ યોજી તમામ બાબતની ખરાઇ કરી સુધરાઇને સુપરસીડ કરવા કોંગ્રેસે માંગ કરવામાં આવી હતી. પ્રાદેશિક કમિશનર રાજકોટ સમક્ષ કરવામાં આવેલ ફરિયાદમાં જણાવાયું છે કે, સુધરાઇ તંત્ર અને શાસક પક્ષ ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઇઓનું અને નિયમોનું પાલન ન કરતાં નગરપાલિકા પ્રશાસન આર્થિક કટોકટીમાં મૂકવામાં આવ્યું છે. યોગ્ય ટેન્ડર પ્રક્રિયા વિના કામ આપવા, હિસાબોમાં ધાંધલી, સરકારી ગ્રાંટનો દુરુપયોગ, સરકારી ગ્રાંટ અને સ્વભંડોળના વિકાસકામોની વહીવટી અને ટેકનિકલી મંજૂર થયેલાં કામોના બદલે અન્ય કામો હાથ ધરવા, લાયકાત વિનાના સ્ટાફને મહત્ત્વની જવાબદારી સોંપવી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારની ગેરહાજરી, પાણીના ટેન્કર તેમજ સ્ટોર વિભાગના જરૂરી ટેન્ડરો ન ખોલવા, પાંચ લાખથી વધુનાં કામો વગર ટેન્ડરે આપવા વગેરે મુદ્દે કોઈ પણ જાતની યોગ્ય કાર્યવાહી ન થતાં શહેરીજનો પરેશાન થઈ ચૂક્યા છે.
બિપોર્જોય વાવાઝોડાં અને વરસાદ બાદ શહેરમાં ગટર સમસ્યા, વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોના આરોગ્ય જોખમમાં પડ્યા છે. ગટર મિશ્રિત પાણીનું વિતરણ અને ઘન કચરાના નિકાલની વ્યવસ્થાનો અભાવ વર્તાઇ રહ્યો છે. મુખ્ય અને આંતરિક રસ્તાનું ધોવાણ થયું છે. ગાંધીધામ ખાડા, ગંદકી અને બીમારીથી ત્રસ્ત બન્યું છે. મુખ્યમાર્ગો તથા આંતરિક માર્ગોમાં સ્ટ્રીટલાઇટ રસ્તાની શોભા માત્ર બનીને રહી ગઇ છે. કરોડો રૂપિયાના વેડફાટ બાદ પણ ત્રણ દાયકાથી શાસન સંભાળતો સત્તાપક્ષ લોકોને મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયો છે ત્યારે આ બાબતે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા ગાંધીધામ ખાતે કેમ્પ કરી આ બાબતોની ખરાઇ કરી નગરપાલિકાને તાત્કાલિક અસરથી સુપરસીડ કરવા દરખાસ્ત કરે તેવી માંગ વિપક્ષી નેતા સમીપભાઇ જોશી તેમજ પૂર્વ નગરસેવક નીલેશ પી. ભાનુશાલી દ્વારા માંગ કરવામાં આવી હતી. આ કાર્યવાહી થાય તો શહેરીજનોની સમસ્યાઓનું સમાધાન થવાની સંભાવના પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.