સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ૧૫ એપ્રિલ, ૨૦૨૩ કે તે પછી નોંધણી અર્થે રજૂ ડોક્યૂમેન્ટ્સ અંગે સ્પષ્ટતા કરાઈ
ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨-કના અસરકારક અમલ માટે રાજ્યની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવોમાં તા. ૧૫/૦૪/૨૦૨૩ થી વધારો અમલમાં આવેલ છે. જેથી, તા. ૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજો માટે મુજબની સ્પષ્ટતા કરવામાં આવી છે.
તા. ૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા. ૧૫/૦૪/૨૦૨૩ પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા. ૧૫/૦૪/૨૦૨૩ પહેલાં (તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારીની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો તેવા દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી વધારેલી જંત્રી ભાવ લાગુ પડશે નહીં. તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.
તા. ૧૫/૦૪/૨૦૨૩ પહેલાં સહી થયેલા અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખ તા. ૧૫/૦૪/૨૦૨૩થી ચાર માસ એટલે કે તા. ૧૪/૦૮/૨૦૨૩ સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જૂની જંત્રીનો લાભ આપવામાં આવશે. જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી છે. તો જેના દસ્તાવેજમાં તા. ૧૫/૦૪/૨૦૨૩ પહેલાં મતુ થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા. ૧૪/૦૮/૨૦૨૩ સુધી નોંધણી કરાવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે.
જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, સ્ટેમ્પ ખરીધા તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. જેની પણ જાહેર જનતાએ ખાસ નોંધ લેવા નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્ર કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.