પૂર્વ કચ્છની જિલ્લા જેલમાંથી મોબાઇલ-ચાર્જર મળી આવતા ચકચાર : જેલરે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
copy image
પૂર્વ કચ્છની જિલ્લા જેલ ગળપાદરમાં કાચાં કામના એક કેદી પાસેથી મોબાઇલ તેમજ અન્ય એક પાસેથી મોબાઇલનું ચાર્જર મળી આવતાં બેય શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ગળપાદર જિલ્લા જેલમાં ઇન્ચાર્જ જેલર તરીકે ફરજ બજાવતા રમેશસિંહ સરદારસિંહ દેવડા અને તેમની ટીમ દ્વારા ગત દિવસે સવારે જેલમાં ઝડતી તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તેમની ટીમ દ્વારા યાર્ડ નંબર- બેના બેરેક નંબર-છમાં કેદીઓની તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન, કાચાં કામના કેદી રવિકુમાર નાગુલાલ મહેર પાસેથી સેમસંગ કંપનીનો સિમ તેમજ બેટરી સહિતનો મોબાઇલ મળી આવેલ હતો, તેમજ અન્ય એક કેદી રીંકુ રામપાલ ધીમાનની તલાશી લેવાતાં તેની પાસેથી મોબાઇલનું ચાર્જર મળી આવેલ હતું. આ બંનેએ મોબાઇલનો ઉપયોગ કર્યો હતો કે કેમ ? તથા કોઇ ગુનાહિત પ્રવૃત્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે કેમ ? તેની ઊંડાણપૂર્વક અને ઘનિષ્ઠ તપાસ આવશ્યક જણાતા જેલરે આ બંને વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલ મોબાઇલને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે. જપ્ત કરવામાં આવેલ મોબાઇલમાંથી આરોપીઓએ આઇ.એમ.ઇ.આઇ. નંબર પણ કાઢી નાખેલ હતા. રવિ મહેર વિરુદ્ધ વડોદરાના ગોગી પોલીસ મથકે અલગ અલગ કલમ તળે ગુનો નોંધાયેલો હોવાનું સામે આવેલ હતું.
