માડવી ખાતે આવેલ વાંઢમાં થતા ગેરકાયદેસર ખનન પર દરોડો : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
માંડવી ખાતે આવેલ વાંઢમાં ગેરકાયદેસર રીતે ખનન કરી બોક્સાઇટની તસ્કરી થતી હોવાની બાતમીના આધારે ગઢશીશા પોલીસે દરોડો પાડી એક બોક્સાઇટ ભરેલું અને એક ખાલી ડમ્પર તથા હીટાચી મશીન કબ્જે કર્યાં હતાં. કચ્છના પેટાળમાં ભારે કિંમતી ખનિજ ધરબાયેલાં છે, ત્યારે ખનિજની બેફામ ચોરી થવાના કિસ્સા સતત સામે આવે છે. ગત દિવસે રાત્રે ગઢશીશા પોલીસ મથકના પી.આઇ. ડી. એન. વસાવાનાં માર્ગદર્શન અંતર્ગત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન હે.કો. ભગીરથસિંહ જાડેજાને ખાનગી બાતમી મળેલ હતી કે, વાંઢની સીમમાં સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર રીતે બોક્સાઇટનું ખનન થઇ રહ્યું છે. આ બાતમીના આધારે ગઢશીશા પોલીસ દ્વારા દરોડો પાડી બોક્સાઇટ ભરેલું એક ડમ્પર તથા એક ખાલી ડમ્પર તેમજ હોન્ડાઇ કંપનીનું હિટાચી મશીન એમ કુલ રૂા. એક કરોડનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગ ભુજને રિપોર્ટ મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ શ્રી વસાવા, હે.કો. ભગીરથસિંહ, કુલદીપસિંહ જાડેજા, કોન્સ. દશરથભાઇ ભીલ, રમેશભાઇ ચૌધરી વિગેરે જોડાયા હતા. ખાણ ખનિજ વિભાગ દ્વારા ત્યાં થયેલા ખનન સર્વે પશ્ચાત કેટલી ખનિજચોરી થઇ છે તેની વિગતો સામે આવશે. આ ઉપરાંત આ ખનિજચોરી કરતા આરોપીઓ અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.