ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી 13.60 લાખનો શંકાસ્પદ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો
copy image
ગળપાદર પાસે આવેલ એક પ્લોટમાં બે ટેન્કરમાંથી એસ.ઓ.જી. દ્વારા રૂા. 13,60,000 નો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ઝડપી પાડવામાં આવેલ હતો. આ તેલ કયું છે તે જાણવા તેને પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલ છે. બેઝ ઓઇલ બાયો ડીઝલના વેપલા વચ્ચે નવા પ્રકારનું તેલ નજરે ચડતાં ભારે ચકચાર મચી હતી. ગળપાદર નજીક આવેલ રિશિ શિપિંગ સર્વિસ નામના પ્લોટના પાછળના ભાગે આવેલ તેજસ એન્ટરપ્રાઇઝ નામના પ્લોટમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગત દિવસે સાંજના અરસામાં કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્લોટમાં દિનેશ કુંવરજી ઠાકોર હાજર મળી આવેલ હતો. અહીં ઊભેલા ટેન્કર નંબર જી.જે. 03 એ.ડબલ્યુ. 4494ના પાંચ ખાનાની તપાસ કરવામાં આવતા તેમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવેલ હતો. બાતમી વાળા સ્થળ પર હાજર મળી આવેલા દિનેશ ઠાકોરને આ પદાર્થ અંગે પૂછતાછ કરતાં તેને ખ્યાલ ન હોવાનું તેમજ આ પદાર્થ ટ્રેઇલરોમાં ઇંધણ તરીકે વપરાતો હોવાનું જણાવેલ હતું. આ ટેન્કરમાં પાઇપ અને ડી.જી.એમ. સિરીઝ ફ્લો મીટર લખેલ મીટર મળી આવેલ હતા તેમજ નીચે પેટ્રોલિયમ પદાર્થ ઢંકાયેલો હોવાનું સામે આવ્યું હતું. આ ટેન્કરમાં 3900 લિટર શંકાસ્પદ પદાર્થ મળી આવેલ હતો. 200 લિટરની ક્ષમતાવાળા ત્રણ બેરલમાં 600 લિટર પદાર્થ મળી આવેલ હતો તેમજ ટેન્કર નંબર જી.જે. 12 ઝેડ. 9644ના પાંચ ખાનામાંથી 12,500 લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવેલ હતો. આ તમામ માલ તેજસ એન્ટરપ્રાઇઝનો માલિક અંતરજાળનો તેજસ અરજણ આહીર મગાવતો હોવાનું તપાસ દરમીયાન સામે આવેલ હતું. પોલીસે આ તેજસ આહીર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સુરક્ષાના સાધનો ન રાખી, જી.પી.સી.બી.નો ના-વાંધા પ્રમાણપત્ર ન મેળવી તથા સરકારના અન્ય પ્રમાણપત્ર ન મેળવી પોતાના તથા અન્યોના જીવ જોખમમાં મુકાય તેવું કૃત્ય કરી અન્ય વાહનોમાં આ પદાર્થ ઇંધણ તરીકે ભરી આપવામાં આવતો હોવાનું પોલીસ દ્વારા જાણવા મળેલ હતું. મળેલ તેલના નમૂના લઇ તેનું પૃથ્થકરણ કરવા બાબતે મોકલવા તજવીજ હાથ ધરાઈ હતી.
