પગપાળા જતાં મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી એક શખ્સ ફરાર : પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

 આદિપુર ખાતે આવેલ લોહાણા સમાજવાડી નજીક પગપાળા જતાં મહિલાના ગળામાં હાથ નાખી એક શખ્સે રૂા. 27,000ની ચેઇનની ચીલઝડપ કરેલ હતી. જે અંગે આદિપુરના ચારવાળી સી.ડી.એક્સ. વિસ્તારમાં રહેતા જયશ્રીબેન મનસુખનાથ વિશનજી નાથબાવા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર આ મહિલા અને તેમનો પુત્ર વિશાલ ગત સાંજે પોતાના ઘરેથી પગપાળા શાકમાર્કેટમાં શાકભાજી લેવા જઇ રહ્યા હતા. આ બંને લોહાણા મહાજનવાડી સામે પહોંચતાં ત્યાં પાછળથી એક સ્પોર્ટસ બાઇક આવેલ હતી. આ બાઇકના ચાલકે હેલ્મેટ પહેર્યું હતું. આ બાઇક ચાલકે મહિલાના ગળામાં પાછળથી હાથ નાખી રૂા. 27,000ની સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી અને તીવ્ર ગતિએ નાસવા લાગ્યો હતો. ફરિયાદીના દીકરાએ દોડીને તેનો પીછો કર્યો હતો પરંતુ તે શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ  તપાસ આદરી છે.