ભુજમાંથી ત્રણ જુગારપ્રેમીઓ ઝડપાયા : ત્રણ ફરાર
ભુજમાં આવેલ સરપટ નાકા બહાર બાવળની ઝાડીમાં સાંજના સમયે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈશમોને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રણ નાસી છુટવામાં સફળ રહયા હતા. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજ બી ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના સરપટ નાકા બહાર બાવળની ઝાડીમાં અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે સરપટ નાકા બહાર તુલસી મિલની પાછળ મોટા વાડાની અંદર બાવળની ઝાડીઓમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ખેલીઓને રોકડા રૂા. 2,770 તથા બે મોબાઈલ રૂા. 5500ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા, તેમજ વધુ ત્રણ શખ્સો નાસી છુટવામાં સફળ હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.