અંજારના બુઢારમોરા નજીક આવેલી સ્ટીલ કંપનીમાં ભંગારને ગાળવાની ભઠ્ઠી અચાનક ઉભરાઈ જતાં મજૂરો દાઝ્યા : બનાવમાં ત્રણનું મોત, એક ગંભીર હાલતમાં


અંજાર તાલુકાના બુઢારમોરા નજીક આવેલી સ્ટીલ કંપનીમાં ભંગારને ગાળવાની ભઠ્ઠી અચાનક ઉભરાઈ જતાં ભઠ્ઠીની આસપાસ કામ કરતાં મજૂરો આગની લપેટમાં આવી ગયાં હતાં. આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા ચાર મજૂરોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા જેમાંથી ત્રણનું મોત નિપજ્યું અને એક મજુરની હાલત ગંભીર બતાવાઈ રહી છે.
અંજારના બુઢારમોરામાં આવેલી કેમો સ્ટીલ નામની કંપની સ્ટીલનું ઉત્પાદન કરે છે જેમાં સ્ટીલનું ઉત્પાદન કરવામાં માટે એક ભઠ્ઠી બનાવાઈ હતી, આ ભઠ્ઠીમાં ભંગાર ઓગાળવાનું કામ થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ આગથી ધગધગતી ભઠ્ઠી ઉભરાઈ ગઈ અને તેમાંથી નિકળેલી આગની જ્વાળાઓએ આસ પાસ કામ કરતાં શ્રમિકોને લપેટમાં લઈ લીધા હતા. આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં કે વાયરલ થયાં છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભઠ્ઠીમાંથી જવાળાઓ મજુરોને ઘેરી વળી છે અને ઉંચાઈ પર મજુરો વિવશ સ્થિતિમાં દાઝેલી હાલતમાં જીવ બચાવવા આમ તેમ દોડી રહ્યા છે. આ ઘટનાના વિડીયો જોઈ સમગ્ર કચ્છના લોકો વિચલિત થઈ ગયાં છે અને લોકોમાં સંવેદના ફેલાઈ ગઈ છે. દસ જેટલા મજુરોને આ ઘટનામાં ઈજા પહોંચી હતી જે પૈકી ગંભીર રીતે દાઝેલા ચાર મજૂરોને પ્રથમ ગાંધીધામ અને બાદમાં અમદાવાદ ખસેડાયા હતા જેમાંથી ત્રણ લોકો દમ તોડી ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે એક મજુરની હાલત હજુ ગંભીર છે. સમગ્ર ઘટનાના બીજા દિવસે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે પત્રકારો સમક્ષ વિગતો આપી હતી અને આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.