કચ્છની દેશી ખારેકને ભારતના કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ દ્વારા જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ આપવામાં આવ્યો

કચ્છની દેશી ખારેકને ભારતના કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ (CGPDT) દ્વારા જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ આપવામાં આવ્યો છે. જે કચ્છ માટે ગૌરવની વાત છે અને આ નિર્ણયને ખેડૂતોએ વધાવી લીધો છે.તો આગામી સમયમાં ખારેકનું નિકાસ મૂલ્ય વધશે અને બ્રાન્ડિંગને પણ વેગ મળશે.દેશના દરેક રાજ્ય અને દરેક શહેરની પોતાની અલગ અલગ પ્રખ્યાત ખાણીપીણી છે. તો શહેરની કેટલીક ખાસ અને પ્રખ્યાત વાનગીઓને GI Tag મળતું હોય છે. આ GI Tag ના લિસ્ટમાં બે નવા નામ ઉમેરાયા છે. જેમાં ઓરિસ્સાની કીડીની ચટણી અને કચ્છની દેશી ખારેકને નવી ઓળખ મળી છે. કચ્છની દેશી ખારેકને આ વર્ષે GI Tag મળ્યું છે. કચ્છની ખેડૂત ઉત્પાદક સંસ્થા યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (UFPCL)દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મંજૂર કર્યા બાદ સીજીપીડીટી દ્વારા 2 જાન્યુઆરીના રોજ કચ્છી ખારેકને જીઆઇનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.કચ્છના મુન્દ્રામાં એસડીએયુના ડેટ પામ રિસર્ચ સ્ટેશનના તત્કાલીન રિસર્ચ સાયન્ટિસ્ટ સીએમ મુરલીધરન દ્વારા જૂન 2021માં સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટી (SDAU) દ્વારા આ અરજી કરવામાં આવી હતી. જોકે પાછળથી યુએફપીસીએલ (UFPCL) ને અરજદાર બનાવવામાં આવ્યું હતું.ગુજરાતના કચ્છમાં ઉગતા ખાસ પ્રકારની દેશી ખારેકને GI Tag મળ્યું છે. તેની ખાસ વાત એ છે કે ખારેક સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. તે માર્કેટમાં 1200 રૂપિયે કિલોના ભાવે વેચાય છે.
આ દેશી ખારેક કાર્બ્સ અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. સાથે જ તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે. આ ખારેક પેટની અનેક બીમારીઓથી પણ રાહત આપે છે. ઉલ્લેખનીય છે કે,કચ્છી ખારેક ગુજરાતમાંથી જીઆઇ ટેગ મેળવનારું બીજું ફળ બન્યું છે. વર્ષ 2011માં સૌરાષ્ટ્રના ગીરની કેસર કેરીને જીઆઇ ટેગ આપવામાં આવ્યું હતું.કે જે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ઉગાડવામાં આવતી હોય છે. તો વર્ષ 2011માં જ ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશોને અડીને આવેલા ભાલ પ્રદેશમાં ઉગાડવામાં આવતા ભાલિયા ઘઉંને પણ GI ટેગ એનાયત કરવામાં આવ્યો હતો.કચ્છની ખારેક 400થી 500 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદ પર ખારેકના ગ્રૂવ્સ લોકો દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસ્યા છે, જેઓ હજ માટે મધ્ય-પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે પણ ત્યાંથી તેઓ છોડ લાવ્યા હતા. તે પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ રાજવીઓના મહેલોમાં કામ કરતા આરબ માળીઓએ પણ આરબ દેશોમાંથી ખજૂરના બીજ લાવ્યા હોય તેમ બની શકે છે.કચ્છમાં આજે આશરે 20 લાખ ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે. ખારેક વિવિધ રંગ, કદ, આકાર અને સ્વાદની હોય છે, જે કચ્છની અનન્ય જાતો છે અને તેથી જીઆઈ ટેગ માટે લાયક છે.જીઆઈ જર્નલમાં જણાવ્યા મુજબ કચ્છ કદાચ વિશ્વભરમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ખારેકની આર્થિક રીતે ખેતી અને માર્કેટિંગ કરવામાં આવે છે. કચ્છમાં થતો ખારેકનો પાક ભારતમાં થતાં ખારેકના કુલ ખેતીના 85 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. બાગાયત અધિકારી મનદીપ પરસાનીયાના જણાવ્યા અનુસાર, કચ્છમાં 19,251 હેક્ટરમાં ખારેકનું વાવેતર કરવામાં આવે છે, જે રાજ્યના કુલ ખારેકના વાવેતર વિસ્તાર 20,446 હેક્ટરના 94 ટકા છે. કચ્છની દેશી ખારેકને જીઆઈ રજિસ્ટ્રીમાંથી જીઆઈ ટેગ મળ્યો છે. તે હવે કચ્છી ખજૂરના બ્રાન્ડિંગને વેગ આપશે અને આ શુષ્ક અને અર્ધ-શુષ્ક પ્રદેશમાં ખારેક ઉગાડતા હજારો ખેડૂતોને ફાયદો થશે. કેસર કેરી અને કચ્છી સાલ માટે પ્રખ્યાત કચ્છ હવે તેની ખારેક માટે પણ પ્રખ્યાત થશે.ખારેકના GI ટેગ મળતા ખેડૂતો હવે તેના પ્રીમિયમ દર પણ વસૂલી શકશે ઉપરાંત ખારેકની નિકાસને પણ વેગ મળશે.જે ખેડૂતો જીઆઈ ટેગનો લાભ લેવા માંગતા હોય તેમણે એફપીઓમાં અરજી કરીને સભ્ય બનવાનું રહેશે.એક સમિતિ તેમના દ્વારા ચોકકસ ખેતીની જમીન પર ઉગાડવામાં આવતા ફળોની તપાસ કરશે અને સભ્યપદની મંજૂરી આપશે.સભ્ય-ખેડુતને સભ્ય પદની મંજૂરી મળ્યા બાદ જીઆઈ ટેગના લોગોના કાયદેસર ઉપયોગ કરી શકશે.