સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ સ્મૃતિવન અર્થક્વેક મ્યૂઝિયમની મુલાકાત લઈને દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી
કચ્છની ત્રિ-દિવસીય મુલાકાતે પધારેલા સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ ભુજ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સ્મૃતિવન મ્યૂઝિયમમાં જીવનની ઉત્પત્તિ તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઝને રાજ્યમંત્રીશ્રીએ નિહાળી હતી. મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ સિમ્યુલેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. અહીં રાજ્યમંત્રીશ્રીએ કાલ્પનિક ભૂકંપનો અનુભવ કર્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ સ્મૃતિવનમાં મેમોરિયલમાં આવેલી કુલ સાત ગેલેરી જેમાં પુનઃજન્મ, પુનઃપ્રાપ્તિ, પુનઃસ્થાપના, પુન:નિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણ નિહાળીને દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદા, આપદા સામેની ભવિષ્યની તૈયારીઓ વિશે વિગતો મેળવી હતી.
આ ઉપરાંત રાજ્યમંત્રીશ્રીએ ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, આપદા સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના કચ્છની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી નિહાળી હતી. અંતિમ ગેલેરીમાં રાજ્યમંત્રીશ્રીએ ભૂકંપના દિવંગતોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ મુલાકાત દરમિયાન ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી બાલકૃષ્ણભાઈ મોતા, શ્રી દેવરાજભાઈ ગઢવી, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી આશિષ અસારી, મ્યૂઝિયમ ડાયરેક્ટરશ્રી મનોજ પાંડે સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.