સરહદી વિસ્તારના અલૈયાવાંઢ, નાના દીનારા ગામે ઉત્સાહજનક માહોલમાં ઉજવાયો પ્રજાસત્તાક પર્વ

અલૈયાવાંઢ,નાના દીનારા: તા: ૨૭: રાજ્યના છેવાડે આવેલા અને વિશ્વ સમસ્તમાં પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના છેક છેવાડે, બન્ની-પચ્છમ ના રણ પ્રદેશને અડીને આવેલા ખાવડા વિસ્તારની મોટા દિનારા ક્લસ્ટરની, શ્રી અલૈયાવાંઢ પ્રા. શાળા, અલૈયાવાંઢ,નાના દીનારા ગામે અભૂતપૂર્વ ઉત્સાહ સાથે, ૭૫માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આઝાદીના અમૃતકાળમાં યોજાયેલા પ્રજાસત્તાક દિવસ ઉજવણી કાર્યક્રમમાં, સો ટકા મુસ્લિમબંધુઓની વસ્તી ધરાવતા અલૈયાવાંઢ, નાના દીનારા ગામના બાળકોએ, ખૂબ જ ઉત્સાહપૂર્વક રીતે દેશભક્તિના ગીતો, નૃત્ય, તથા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સશક્ત, વિકસિત, અને નિષ્ઠાવાન ભાવિ પેઢી નિર્માણના એંધાણ આપ્યા હતા.

ગ્રામ અગ્રણી શ્રી તૈયબ ઇબ્રાહિમ સમા ની આગેવાની હેઠળ ગામમાં શિક્ષણ અને સંસ્કારના બીજનું વાવેતર કરતી શ્રી અલૈયાવાંઢ પ્રાથમિક શાળાના ગુરુજનોએ, પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું માહાત્મ્ય સ્પષ્ટ કરવા સાથે, નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ પરથી રજુ થયેલા ‘ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય આધારિત રંગબેરંગી ટેબ્લોની જાણકારી આપી, કચ્છ અને ગુજરાતના ગૌરવથી ઉપસ્થિત ગ્રામજનોને અવગત કરાવ્યા હતા.

ગુરુવર્યોએ અલૈયાવાંઢ,નાના દીનારાના ગ્રામજનોને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરતી United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ ‘ધોરડો’ની ઝાંખીએ આ વિસ્તારને અનોખું ગૌરવ બક્ષ્યું છે તેમ પણ જણાવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરતા બાળ કલાકારોને બિરદાવતા શાળા શિક્ષકોએ, UNESCO ના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ ભાતીગળ ગરબાની ઘટનાએ પણ ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે, તેમ જણાવ્યું હતું.

શ્રી અલૈયાવાંઢ પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમે નાનકડા એવા આ સરહદી ગામમાં અનોખી ચેતના સાથે રાષ્ટ્ર ભાવના જગાવી હતી. બાળકોએ રજૂ કરેલા વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોને ગ્રામજનોએ મનભરીને માણવા સાથે, બાળ કલાકારોની પ્રતિભાને બિરદાવી હતી.

નાનકડા ગામના ઉદાર દિલના ગ્રામજનોએ શાળા માટે મન મોટું રાખીને ઉદાર હાથે આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો.