ગાંધીધામના ગોદામમાંથી લાખોની કિંમત ચોખા પર તસ્કરો હાથ સાફ કરી થયા ફરાર

ગાંધીધામના એક ગોદામમાંથી લાખોની કિંમત ચોખા પર તસ્કરો હાથ સાફ કરી ફરાર થયા હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે,આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરીમાં સામેલ ત્રણ આરોપી ઈશમોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે વધુ ચારને પકડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરાયો છે. ગાંધીધામ ખાતે આવેલ સેક્ટર 12માં અંબિકા ગોદામમાં આ ચોરીનો બનાવ ગતતા. 21ના સાંજથી રાતના સમયગાળા દરમ્યાન બન્યો હતો. ચોર ઈશમોએ ગોદામની લોખંડની બારીનો સળિયો તોડીને અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. દિલ્હીથી આયાત કરવામાં આવેલ બાસમતી ચોખાની 104 બોરીની ચોરી કરી પલાયન થઈ ગયેલ હતા. માહિતી મળી રહી છે ચોરાયેલ ચોખાના જથ્થાની કિંમત રૂા. 4.29 લાખ આંકવામાં આવી છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી આ ચોરીમાં વપરાયેલ વાહન તથા માલ ખરીદનાર આરોપી શખ્સોને ઝડપી પાડયા છે. ઉપરાંત ચોરાઉ માલ પુરેપુરો રિકવર કરાયો છે. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય ચાર શખ્સોને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.