મીઠીરોહર નજીકથી રૂ.10.38 લાખની કિંમતના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
મીઠીરોહર નજીકથી રૂ.10.38 લાખની કિંમતના શંકાસ્પદ ઘઉંની 761 બોરીઓ સાથે એક શખ્સને LCBની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મીઠીરોહર ખાતે આવેલ જીઆઇડીસી વિસ્તાર નજીકથી શંકાસ્પદ ઘઉની બોરી ભરેલ ટ્રેઇલર પસાર થવાનું છે. મળેલ બાતમીના આધારે પોલીસે મીઠીરોહર જીઆઇડીસી વિસ્તારમાં દરોડો પાડી ઘઉની બોરી ભરેલ ટ્રેઈલરને પકડી પાડેલ હતું. ત્યાર બાદમાં ટ્રેઇલરના ચાલક પાસે આ ઘઉના જથ્થા અંગે આધાર પુરાવા માગતાં તે રજૂ કરી શક્યો ન હતો. પરીણામે રૂ.10,38,765 ની કિંમતના શંકાસ્પદ ઘઉંની 50 કિલોની ક્ષમતા વાળી 761 બોરીઓ સાથે ટ્રેઈલરના ચાલકની અટક કરવામાં આવે હતી. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે ઘઉના જથ્થા સહિત કુલ કુલ રૂ.35,38,765 નો મુદ્દામાલ કબ્જે કરેલ હતો. પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.