નખત્રાણાના નેત્રામાં આવેલ પવનચક્કીની વીજલાઇન ટ્રીપ કરીને 20.63 લાખનું નુકશાન પહોચાડનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

નખત્રાણા ખાતે આવેલ નેત્રા ગામના સીમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીની વીજલાઇન અવાર-નવાર ટ્રીપ કરીને કંપનીને રૂા. 20.63 લાખનું નુકશાન પહોચડ્યું હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર દીપેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 23/1ના વીજલાઇન ટ્રીપ થવાથી બંધ થઇ ગયેલ હતી. જેથી નેત્રાના સીમ વિસ્તારમાં તપાસતા કરવામાં આવતા ગામના એક શખ્સે જણાવેલ કે, ભાડરા ગામમાં મારી જમીન આવેલ છે, જેમાંથી તમારી કંપનીની વીજલાઇન પસાર થાય છે, જેનું વળતર મને આપેલ નથી, આથી મેં લંગર નાખ્યું છે. મને વળતરના પૈસા આપો નહીંતર આ લંગર નહીં નીકળે,ઉપરાંત તેમને અહીંથી જતા રહેવાની ધમકી આપી હતી. અગાઉ પણ અવાર-નવાર લંગર નાખી લાઇન ટ્રીપ કરી નખાતા કંપનીને કુલ મળીને રૂા. 20,63,038નું નુકસાન પહોંચડ્યું હતું. પોલીસે આ અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.