રાપર ખાતે આવેલ ખાંડેક ગામના બે મંદિરનાં તાળાં તોડી ઉપરાંત એક રહેણાંક મકાન નજીકથી બાઈક ઉઠાવી કુલ 64 હજારની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયાં ફરાર
રાપર ખાતે આવેલ ખાંડેક ગામના બે મંદિરનાં તાળાં તોડી ઉપરાંત એક રહેણાંક મકાન નજીકથી બાઈક ઉઠાવી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે ખાંડેક ગામમાં રહેતા જીણા સોમાભાઈ રબારી તથા મેલડી માતાના ભુવા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી કામ અર્થે રાજકોટ ગયેલ હતા. તે દરમ્યાન ગત તા.3/2ના વહેલી સવારના સમયે ફરિયાદીના ભાઈએ જણાવેલ કે, મેલડી માતાનાં મંદિરનાં તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા છે. આ અંગે જાણ થતાં તુરંત ફરિયાદીએ પરત આવી તપાસ હાથ ધરતા ગામના આ મંદિરનાં તાળાં તોડી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ 14,000ની ચોરી કરી હોવાનું સામે આવેલ હતું, ઉપરાંત ગામના જ ખેતરપાળ દાદાના મંદિરમાથી પણ રોકડ રૂા. 7000, 800 ગ્રામ ચાંદીનું છત્તર નંગ – 17ની ચોરી કરેલ હતી. આ અંગે વધુ તપાસ હાથ ધરતા મંદિર નજીક આવેલ રહેણાંક મકાન આગળ ઊભેલ બાઈક પણ ઉઠાવી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, આ ચોરીમાં કુલ 64 હજારની મત્તા પર હાથ સાફ કરાયો છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.