ભચાઉ-ભુજ માર્ગે ઘી ભરેલ ટ્રક પલટ્યું : ઘીના 286 ડબ્બા ગાયબ
ભચાઉ-ભુજ માર્ગ પર ઘીના ડબ્બા ભરેલ વાહન પલટી જતાં 286 ઘીના ડબ્બા અમુક આજાણ્યા શખ્સો લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ આવેલ એન.ડી. રોડ વાઈન્સ પ્રા. લિમિટેડની ટ્રકમાં તેલ ભરીને મુંદ્રાથી કડી ગામે ખાલી કરવા લઈ જવાયા હતા. ત્યાર બાદમાં ગત તા. 14/12ના ન્યૂ જય મહારાજ લોજિસ્ટિક મહેસાણાથી અમૂલ તથા સાગર ઘીના 1006 કાર્ટૂન ભરીને ત્યાંથી ભુજ આવવા માટે આ ટ્રક રવાના થયું હતું. મળતી માહિતી અનુસાર આ ટ્રક ભુજ-ભચાઉ માર્ગે આવેલ શિકરા અને આંબરડી વચ્ચે પહોંચતા આ ટ્રક પલટી ગઈ હતી, જેમાં ટ્રકમાં રહેલા ઘીના ડબ્બા નીચે પડી ગયેલ હતા, બનાવને પગલે ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં બીજી ગાડીમાં માલ ભરીને ભુજ રવાના કરાયો હતો. જ્યાં ઘીના 286 ડબ્બા ઓછા હોવાનું બહાર આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, આ સફર દરમ્યાન રૂા. 1,86,417ના ઘીના આ ડબ્બાઓ કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવીને પલાયન થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.