રાપર ખાતે આવેલ વરણુ ગામ નજીકથી 1.32 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર
રાપર ખાતે આવેલ વરણુ ગામ નજીકથી પોલીસે 1.32 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર રાપરના વરણુ ગામ નજીક આવેલ રણ વિસ્તારમાંથી આડેસર પોલીસે રૂા. 1,32,000નો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આડેસર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અમુક શખ્સો કારમાં દારૂનો જથ્થો ભરી વરણુ નજીક રણમાંથી થઈને પલાંસવા બાજુ જવાના છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી અને બાતમી વાળી ગાડી આવતા પોલીસને જોઈ ચાલકે ગાડી ભગાવી હતી. પોલીસે આ ગાડીનો પીછો કરતાં આ કાર આગળ જઇને રણમાં ફસાઇ ગઇ હતી અને આ કારમાંથી આરોપી શખ્સો નાસી છૂટ્યા હતા. આ ગાડી તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો કુલ રૂા. 1,32,000નો શરાબ નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ શખ્સોને ઝડપી પાડવા આગળને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.