હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રેઇલરે એસ.ટી બસને ટક્કર મારતા બસ પલટી : 14 ઘાયલ
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રેઇલરે એસ ટી બસને ટક્કર મારતા 14 જેટલાં ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ધ્રાંગધ્રા હળવદ હાઈવે પરથી એસ ટી બસ જઈ રહી હતી, તે દરમ્યાન ગત દિવસે સાંજના અરસામાં તે બસ કોયાબા ગામના પાટિયા નજીક પહોંચી હતી ત્યારે કોઈ અજાણ્યા ટ્રેઇલરના ચાલકે આ બસને ટક્કર મારતા એસ ટી બસ પલટી મારી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં બસમાં સવાર મુસાફરોને ઈજા પહોચતા તુરંત ૧૦૮ મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતા.આ બનાવ અંગે બસના કંડકટર મનસુખભાઈ કાનાભાઈ ખાંટ દ્વારા હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સવારના સમયે સંતરામપુર ડેપોની બસમાં સંતરામપુરથી મોરબી જવા માટે રવાના થઈ હતી જે બસ હળવદના કોયબા પાસે પહોચતા બસની ખાલી સાઈડ તરફ આવી રહેલ ટ્રેઈલરના ચાલકે ટક્કર મારતા બસ પલટી મારી ગઈ હતી. વધુમાં તેઓ જણાવે છે કે, આ બસમાં ૧૭ પેસેન્જરો સવાર હતા.જેમાંથી 14 જેટલા પેસેન્જરોને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. પોલીસે આ મામલે ટ્રેઈલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.