ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી મતદાન પત્રથી ચૂંટણી કરાવવા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ઝઘડિયા નાયબ કલેકટર મારફતે આજ રોજ બીટીટીએસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા આવેદનપત્ર સર્વ સમાજ ઝઘડિયા, વાલીયા અને નેત્રંગ તાલુકા દ્વારા આપવામાં આવ્યું છે, આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી મતદાન પત્રની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી યોજાય છે, શરૂઆતમાં આ પ્રક્રિયા સરળ લાગતી હતી અને એમાં ફાયદા પણ જણાતા હતા, પરંતુ ટેકનોલોજીના જમાનામાં આ પદ્ધતિ પર વિશ્વસનીયતા રહી નથી કારણ કે (૧) દેશમાં અને દુનિયામાં ટેકનોલોજી દ્વારા ફ્રોડ થવાના ઘણા કિસ્સા બની રહ્યા છે તો આમાં પણ થઈ શકે છે (૨) જે દેશમાંથી આ ટેકનોલોજી અમલમાં આવી, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બને છે તે દેશ એટલે કે જાપાન માંથી મળતી માહિતી મુજબ અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે જાપાનમાં ચૂંટણીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપરથી યોજાય છે, ટૂંકમાં ઉત્પાદન કરતા આ દેશને પણ આ પ્રક્રિયા પર વિશ્વસનીયતા નથી લાગતી (૩) ટેકનોલોજીમાં ખૂબ આગળ મોટા અમેરીકા જેવા ધનાઢ્ય દેશોમાં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થતો નથી (૪) ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાતા મત આપે છે, ત્યારે જેમ બટન દબાવે છે પછી જે પ્રક્રિયા થાય છે તેમાંથી સંતોષનો ભાવ લગીરે પેદા થતો નથી, ઉલટાનું અસમંજસની સ્થિતિ બને છે કે ખરેખર મત મારો મેં આપેલ ઉમેદવારને જ પડ્યો છે? ! વીવીપેટ પર કાપલી દેખાય છે પણ વોટિંગ મશીનમાં કંઈ દેખાતું નથી માત્ર બીપ નો અવાજ આવે છે (૫) સુપ્રીમ કોર્ટમાં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી નહીં કરવા અંગે કેસ ચાલી રહ્યો છે (૬) લોકશાહીના પાયામાં મતદાર હોય છે માટે અમો મતદારોની એક જ માંગણી છે કે હવે પછી આવનારી ચૂંટણી મતદાન પત્રથી જ થવી જોઈએ (૭) મતદાન પદ્ધતિ ચૂંટણી યોજાઈ અને પરિણામ પછી જે સરકાર બને તે જ દેશની લોકશાહી બચાવી શકશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા મુદ્દાઓને ધ્યાને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ મતદાન પત્રથી ચૂંટણી કરાવવામાં અમારી માંગણી છે, જો અમારી માંગણી સ્વીકારમાં નહીં આવે તો અમે આ અંગે વિરોધ કરી સખત નિર્ણય કરતા પણ અચકાઇશું નહીં તેમ તેમણે જણાવ્યું હતું.