અંકલેશ્વરમાં અલગ અલગ સ્થળેથી પોલીસે 9 જુગારીઓ ઝડપાયા : 6 વોન્ટેડ જાહેર

અંકલેશ્વરમાં શહેર એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ સ્થળેથી જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે 6 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તમામ જુગારીઓ વિરુધ્ધ જુગારધારા હેઠળ કલમો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના જીન ફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં જુગારધામ ચાલી રહ્યો છે. તેવી માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે તે સ્થળે રેઈડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.પોલીસે સ્થળ પરથી જુગારી લાલા ઇરસાદ સૈયદ,યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ માટીયેડા,જાવિદ એહમદ નઝરૂદ્દીન બલોચ તેમજ ગફુરશા ગુલામ શા ફકીરને ઝડપી પાડયો હતો. જ્યારે એક જુગારી ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા અને 5 મોબાઈલ ફોન મળી કુલ રૂ.11 હજારથી વધુના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.
બીજા ગુનામાં તાડ ફળિયામાં રહેતો વિજય દલપત વસાવા બહારથી માણસો બોલાવી તાડ ફળિયાની પાછળની દીવાલ પાસે ખુલ્લી જગ્યામાં ઇલેક્ટ્રીક લાઈટના અજવાળે જુગારનો અડ્ડો ચલાવે છે. તે માહિતીના આધારે પોલીસ ટીમે તે સ્થળ પર રેઈડ કરી હતી.ત્યાં જાહેરમાં જુગાર રમતા ઠાકોર દેવાભાઈ પટેલ, તાલિબ ગુલામ મોહમદ શેખ, રામસિંગ વસાવા, સુરેશ રાવળ અને તમિલ ચેલવાન રામાસ્વામીને ઝડપી પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.13 હજાર અને ત્રણ વાહનો તેમજ ચાર ફોન મળી કૂલ રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે મુખ્ય સૂત્રધાર વિજય દલપત વસાવા, ચિરાગ વસાવા, ગોપાલ વસાવા, આકીબ મિર્ઝા, અને વસીમ નામના ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.