ભરૂચના મકતમપુર ખાતે સિદ્ધિવિનાયક મંદિરે અંગારકી ચોથની ઉજવણી કરવામાં આવી : ગણેશજીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ

ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો જામી હતી. ભક્તોએ દર્શન, પૂજન,પ્રસાદી, મહાઆરતી સાથે અંગારીકા ચોથની ઉજવણી કરી ધાન્યતા અનુભવી હતી.
મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે. અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. ભકતો ગણેશજીને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપા સાથે ગણેશની પૂજા અર્ચના કરતા હોય છે. ભરૂચના મકતમપુર ખાતે આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના દિવસે વહેલી સવારથી જ ગણેશ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો. જેમાં પાંચ જોડીએ બેસી પૂજા અર્ચના કરી હતી.આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવા વહેલી સવારથી જ ઉમટી પડેલા ભક્તોએ પૂજન,અર્ચન કરી પ્રસાદી, મહાઆરતી સાથે અંગારીકા ચોથની ભવ્ય ઉજવણી કરી હતી.