આમોદના કોલવણામાં મધમાખી ઉડતા ત્રણ બાળકો સહિત સાત લોકોને ડંખ માર્યા : તમામને સારવાર અર્થે ભરૂચમાં ખસેડાયા

આમોદ તાલુકાના કોલવણા ગામે એક વાડીમાં સફાઈ કરતા સમયે મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકોને મધમાખીઓએ ડંખ મારતા ઈજાગ્રસ્ત થયા હતા. જેથી વાગરા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. ત્યારબાદ તમામને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યાં હતા.
આમોદ તાલુકાના વાગરા નજીકના કોલવણા ગામે જેસીબી વડે ભાયખાની વાડીની સફાઈ કરવામાં આવી રહી હતી, તે જ વખતે વાડીમાં મધ માખીઓનો મધપૂડો છંછેડાતા મધમાખીઓ ઉડવા લાગી હતી. જેથી દોડધામ મચી ગઈ હતી. મધમાખીઓ ત્યાં રહેલા એક જ પરિવારના 3 બાળકો અને 4 વ્યક્તિઓને મળી કુલ 7 જેટલા લોકોને ડંખ મારતા, તમામ લોકો ઘાયલ થયા હતા. જેથી તમામને ખાનગી વાહનમાં વાગરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ ખસેડવાની ફરજ પડી હતી.
રિપોર્ટ બાય :- કેતન મહેતા, ભરૂચ